- રાજ્યમાં કોરોનાનો કહેર
- સમરસ હોસ્ટેલમાં કોવિડ કેર શરૂ કરવું પડે તેવી સ્થિતીનું નિર્માણ થયું
- તબિબો અને સરકારના પ્રયાસોથી માંડ સ્થિતી થાળે પડી
- ડેડીકેટેડ કોવિડ કેર હોસ્પિટલ ધરાવતી SSG હોસ્પિટલમાં લોકોની ભીડ
વડોદરાઃ રાજ્યમાં કોરોનાની બીજી વેવની ઘાતકતા વધારે જોવા મળી હતી. બીજી વેવમાં હોસ્પિટલો ફુલ થઇ જવાને કારણે વડોદરામાં આવેલી સમરસ હોસ્ટેલમાં કોવિડ કેર શરૂ કરવું પડે તેવી સ્થિતીનું નિર્માણ થયું હતું. કોરોનાની બીજી વેવમાં ઓક્સિજન, સારવાર માટે જરૂરી ઇન્જેક્શન, ICU બેડ સહિતની ભારે મુશ્કેલી સર્જાઇ હતી. તબિબો અને સરકારના પ્રયાસોથી માંડ સ્થિતી થાળે પડી છે. હવે લોકો જાણે કોરોના છે જ નહિ તેવી રીતે બેદરકારી દાખવી રહ્યા છે. ગત રોજ એક રીસોર્ટમાં લોકો કોરોનાને ભુલીને જશ્ન મનાવવા પહોંચ્યા હતા. જો કે, મામલાની જાણ થતાં પોલીસે રેડ કરીને તમામ સામે કાર્યવાહી કરી હતી.
લોકોની ભીડ
ઘટનાના બીજા દિવસે સરકારી ફેસીલિટીમાં કોવિડ કેસ ધરાવતી SSG હોસ્પિટલમાં ડેડીકેટેડ કોવિડ કેરની પાછળ બનાવવામાં આવેલા ડોમમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, SSG હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારે થતાં દર્દીઓના પરિજનોના બેસવા માટે ડોમની વ્યવસ્થા કરી હતી. કોરોના કેસો પર નિયંત્રણ આવતા હવે કોરોનાના દર્દીઓના મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો.
જમવાનું મેળવવા લોકો ઉમટી પડ્યા
હાલ ડોમમાં લોકોને સેવાભાવી સંસ્થા દ્વારા લોકોને નિશુલ્ક જમવાનું પુરૂ પાડવામાં આવે છે. આજે મંગળવારે બપોરે જમવાનું મેળવવા માટે ડોમમાં લોકોની મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ડોમમાં કોરોનાની ગાઇડલાઇનનું મોટી સંખ્યામાં ઉલ્લંઘન જોવા મળ્યું હતું. લોકોની બેદરકારીને કારણે કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપી રહ્યો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.
આ પણ વાંચોઃ વિદ્યાનગરના સાથિયા પાર્ટી પ્લોટમાં કોવિડ ગાઇડલાઇનનું ઉલ્લંઘન
કોવિડ ગાઇડલાઇનનું ઉલ્લંઘન
જે જગ્યાએ એક સમયે મોટી સંખ્યામાં લોકો કોરોનાની સારવાર લઇ રહ્યા હતા, ત્યા આજે કેસોમાં ઘટાડો થતાં સોશિયલ ડિસ્ટન્સીંગ અને માસ્કના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન જોવા મળ્યું હતું. કોરોના સામે લોકોની બેદરકારી જીવલેણ નિવડી શકે છે. કોરોના કેસોમાં ઘટાડો થયો છે, લોકો બેદરકારી દાખવશે તો ફરી કોરોનાના કેસોમાં ઉછાળો આવી શકે છે અને તમામે સરકારના કડક નિયમો વચ્ચે જીવવાનો વારો આવી શકે છે.