- સયાજી હોસ્પિટલમાં બેડ ફૂલ થતા ક્ષમતા વધારવામાં આવી
- ખાસ ફરજ પરના અધિકારીએ તાકીદની બેઠક બોલાવી
- ઇન્સ્પેક્શન એન્ડ ઓડિટની ટીમોની રચના કરવામાં આવી
વડોદરા: શહેરમાં દિન પ્રતિદિન વધી રહેલા કોરોના કેસોએ તંત્રની ઊંઘ ઉડાવી મૂકી છે.કોવિડ માટેના ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે સયાજી હોસ્પિટલ ખાતે બેઠક યોજી હતી.જેમાં ઈન્સ્પેકશન એન્ડ ઓડિટની ટીમની રચના કરી હતી.જે ટીમ શહેર અને જિલ્લાના તમામ હોસ્પિટલોનું નિરીક્ષણ કરશે, સાથે જ દર્દીઓને અગવડતા ના પડે તે માટે બેડની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો હતો.
સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં ફાયર ફાયટરો સ્ટેન્ડબાય પર
વડોદરા શહેરમાં કોરોનાનો વ્યાપ વધવા માંડ્યો છે. રવિવારે આશરે 85 જેટલા દર્દીઓ સયાજી હોસ્પિટલમાં દાખલ થતાં બેડની ઘટ પડી હતી. જેના કારણે OSD ડો.વિનોદ રાવ તત્કાલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને 20 થી 25 જેટલા બેડની ક્ષમતા તાત્કાલિક વધારી હતી.જે પૈકી 20 જેટલા બેડમાં ઓક્સિજન લાઇન પણ શરૂ કરાવી હતી. તેની સાથે ગોત્રી હોસ્પિટલમાં પણ OPDના ટ્રાયેજ એરિયામાં 11 ઓક્સિજન પોર્ટ રાતો રાત તૈયાર કર્યા હતા. ત્યાં પણ 20 બેડનો વધારો કરાયો હતો. સાથે સાથે રાત્રીના સમયે જ ધીરજ હોસ્પિટલ સુમનદીપ કેમ્પસમાં લગભગ 15 જેટલા વેન્ટિલેટરની સાથે 100 જેટલા ઓક્સિજન બેડ પણ કાર્યરત કરાવ્યા હતા.
આ પણ વાંચો : વેસ્ટર્ન રેલવે વડોદરા ડિવિઝન દ્વારા યાત્રીઓના ફરજીયાત RT-PCR ટેસ્ટ કરાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને કરાઈ અરજી
OSD ડો.વિનોદ રાવ એક્શનમાં
રવિવારે સર્જાયેલી પરિસ્થિતિ બાદ OSD ડો.વિનોદ રાવે સયાજી હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ઓફિસ ખાતે ઓક્સિજનના તમામ સપ્લાયર અને મેન્યુફેક્ચરર સાથે બેઠક બોલાવી હતી. જેમાં ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશ્નર, સયાજી હોસ્પિટલના સુપ્રીરિટેન્ડન્ટ ડો.રંજન ઐયર, નોડલ ઓફિસર ડો.શીતલ મિસ્ત્રી , કોવિડ ઓબ્ઝર્વર ડો.બેલીમ સહિત નિષ્ણાત તબીબો હાજર રહ્યા હતા. આ અંગે માહિતી આપતા OSD ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે, આ બેઠકમાં હોસ્પિટલોના નિરીક્ષણો માટે 10 ટીમોની રચના કરવામાં આવી છે.જેમાં બરોડા મેડિકલ કોલેજ ,ગોત્રીના 20 ડોકટર્સ અને પ્રોફેસરોનો આ ટીમમાં સમાવેશ કરાયો છે.આ ઇન્સ્પેક્શન એન્ડ ઓડિટની ટીમ શહેર જિલ્લાની તમામ હોસ્પિટલોમાં નિરીક્ષણ કરશે. જ્યાં કોઈ હોસ્પિટલ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતી જણાઈ આવશે તો તેની વિરુદ્ધ એપેડમિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : વડોદરામાં OSD વિનોદ રાવની નર્સિંગ કોલેજના આચાર્યો સાથે બેઠક યોજાઈ
ફાયર લાશ્કરો સ્ટેન્ડબાય પર
સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં હાલ કોરોના દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયરબ્રિગેડના બે ફાયર ફાયટરો સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં સ્ટેન્ડબાય કરવામાં આવ્યા છે. જેથી કોઈ અઘટિત ઘટના બને તો 2 મિનિટ પણ મોડું કર્યા વગર પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાય.અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના કેસો માં ઝડપથી વધારો થતાં હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવામાં આવી રહી છે.ત્યારે સયાજી હોસ્પિટલમાં કોવિડ સેન્ટર,અને વોર્ડ નંબર 20 તેમજ વોર્ડ 12 પણ દર્દીઓથી ભરાઈ જતા હવે જ્યાં રસીકરણની કામગીરી કરવામાં આવી રહી હતી તે જી-1 વોર્ડમાં પણ કોરોના દર્દીઓ માટે બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.