- પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ
- સી. આર. પાટીલ સતત ડોક્ટરની ટીમના સંપર્કમાં
- ગૃહપ્રધાન અમિત શાહે પણ આપી પ્રતિક્રિયા
અમદાવાદ: રવિવારના રોજ વડોદરામાં ચૂંટણી પ્રચાર દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીની તબિયત લથડી હતી. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, તેમને અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમનો કોવિડનો RTPCR રિપોર્ટ કરાવ્યો હતો, જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
મુખ્યપ્રધાનની તબિયત સ્થિર : સી.આર.પાટીલ
સી.આર.પાટીલે વધુમાં જણાવતા કહ્યું હતું કે, અત્યારે મુખ્યપ્રધાનની સ્વાસ્થ્ય નોર્મલ છે, હાલ તેઓ મેડિકલ ઓબઝર્વેશન હેઠળ છે. કોરોના સિવાયના તેમના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. સાથે ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતાં તેમને પણ યુ. એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કર્યા છે. તમામની તબિયત સારી છે, રિકવરી પણ ઝડપી છે. હું ડોક્ટરની ટીમના સતત સંપર્કમાં છું અને સારવાર અંગેની માહિતી મેળવી રહ્યો છું. ઓક્સિજન તથા તમામ લેવલ અત્યારે નોર્મલ છે. હું ઈશ્વરને પ્રાથના કરું છું કે, તેઓ જલ્દીથી સ્વસ્થ થઈ લોક સેવાના કાર્યમાં જોડાઈ જાય.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીના સ્વાસ્થ્ય અંગે દેશના ગૃહ પ્રધાન અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ દ્વારા ટ્વીટ કરીને વિજય રૂપાણીના કુશળ સ્વાસ્થ્ય અને પૂનઃ જન કલ્યાણના કાર્યમાં પરત ફરે તેવી ઈશ્વરને પ્રાર્થના કરી અને ખબર અંતર પૂછ્યા હતા.