વડોદરાઃ ગુજરાત સરકારના ગુજરાત માટીકામ અને કલા કારીગરી નિગમના અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિ સંચાલિત સી.કે. પ્રજાપતિ હાઈસ્કૂલ ગત 20થી 25 વર્ષથી કાર્યરત છે. લોકડાઉન બાદ અન્ય સ્કૂલની જેમ આ સ્કૂલમાં પણ ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ વાલીઓએ સમયસર ફી નહીં ભરતાં શાળા સંચાલકોએ ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે.
સી.કે.પ્રજાપતિ હાઈસ્કૂલના ટ્રસ્ટી અને નિગમના ચેરમેન દલસુખ પ્રજાપતિએ જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખી આ અંગે માહિતી આપી છે. આ પત્રમાં તેમણે જણાવ્યું કે, લોકડાઉનની પરિસ્થિતિમાં વાલીઓ દ્વારા ફી આપવામાં આવતી નથી. જેના કારણે કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે.
આ અંગે સી.કે.પ્રજાપતિ હાઈસ્કૂલના સંચાલક દલસુખ પ્રજાપતિએ જણાવ્યું કે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના બાળકો અભ્યાસ કરી શકે તેવા આશયથી શાળા શરૂ કરી હતી. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર પાસે લેપટોપ કે કોમ્પ્યુટરની વ્યવસ્થા પૂરતી નથી. જેથી અમે ઓનલાઇન શિક્ષણ બંધ કર્યું છે. આ ઉપરાંક વાલીઓએ પણ જણાવ્યું કે, બાળકોને ઓનલાઇન શિક્ષણ અમે આપી શકીએ તેમ નથી.