વડોદરા: અમદાવાદ ખાતે આવેલા ખાનગી શ્રેય હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં અગાઉ આગનો બનાવ બન્યો હતો. જેમાં આઈસોલેશન વોર્ડમાં સારવાર લઈ રહેલા કેટલાંક દર્દીઓ આગમાં ભડથું ગઈ ગયા હતા. આ ગોઝારી ઘટના બાદ સરકારી તેમજ ફાયર બ્રિગેડનું તંત્ર સક્રિય બન્યું હતું. જેમાં કેટલીક ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ફાયર સેફટીના સાધનોની ચકાસણી તેમજ હોસ્પિટલના સ્ટાફને ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી હતી.
જે અંતર્ગત સયાજી હોસ્પિટલમાં ફાયર બ્રિગેડ તંત્ર દ્વારા હોસ્પિટલના મુખ્ય કોવિડ સેન્ટર ખાતે મોકડ્રીલ યોજાઈ હતી. તદ્ઉપરાંત આગના બનાવ સમયે કેવા પ્રકારની બચાવની કામગીરી તેમજ તાત્કાલિક ધોરણે ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પણ તાલીમ હોસ્પિટલના કેટલાક કર્મચારીઓને આપવામાં આવી હતી. આ બનાવ સમયે હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ તેમજ કોવિડ સેન્ટરના નોડલ અધિકારી ડો.બેલીમ ઉપસ્થિત રહ્યા હતા. તેઓને પણ આગના આપાતકાલીન સમયે ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજ આપવામાં આવી હતી.