- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરાયું
- વડોદરા શહેર અને જિલ્લાના 703 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડ મેળવવામાં સફળ રહ્યા
- તેજસ્વી વિદ્યાર્થીઓએ માસ પ્રમોશનના મેળવેલા પરિણામથી અસંતોષ વ્યક્ત કર્યો
- ધોરણ 10ના 42,852 વિદ્યાર્થીઓને પાસ જાહેર કરાયા
વડોદરા : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Secondary and Higher Secondary Education Board) દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન (Mass promotion) આપવાની જાહેરાત કર્યા બાદ વિદ્યાર્થીઓનું પરિણામ (result) મંગળવારે રાત્રે જાહેર કરાયું હતું. શહેર અને જિલ્લાના 703 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડ મેળવવામાં સફળ થયા છે. જ્યારે 3,133 વિદ્યાર્થીઓ A-2 ગ્રેડ મેળવ્યો હતો. કુલ 42,852 વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જાહેર કરાયું હતું. સમગ્ર રાજ્યમાંથી ધોરણ 10માં 8,57,204 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જેમાં 4,90,482 વિદ્યાર્થીઓ તેમજ 3,66,722 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. બોર્ડે સત્તાવાર વેબસાઈટ ઉપર પરિણામ જાહેર કરતાં જ શાળાઓએ નિયત ઇન્ડેક્ષ નંબર પરથી પરિણામ (result) લોગીન કરી ડાઉનલોડ કરી લીધું હતું. જે બાદ બુધવારે વિદ્યાર્થીઓને તેમના પરિણામ (result) અંગેની જાણકારી આપવામાં આવી હતી. કોરોનાને કારણે 100 ટકા માસ પ્રમોશન (Mass promotion) મળતા તેજસ્વી વિદ્યાર્થીઓએ આ પરિણામ (result)થી અસંતોષ અનુભવ્યો હતો.
ઓફલાઈન પરીક્ષા લેવાઈ હોત તો આનાથી પણ સારું પરિણામ આવત : વિધિ પ્રજાપતિ
શહેરની ધોરણ 10 ની વિદ્યાર્થીની વિધિ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મારું પરિણામ સારું આવ્યું છે. 99.17 પર્સનટાઇલ A-1 ગ્રેડ છે. આમ તો સારું કહી શકાય, પરંતુ પરીક્ષા ઓફલાઈન લેવાઈ હોત તો મારી મહેનત એટલી બધી હતી કે આનાથી પણ વધારે સારા પર્સન્ટેજ અને ખૂબ જ વધારે સારું પરિણામ આવત. હું આગળ ધોરણ-11 મેડિકલ સાયન્સમાં જવા માગુ છું.
![ધોરણ 10નું પરિણામ જાહેર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vdr-rural-01-board-result-avbbbb-gj10042_30062021152753_3006f_1625047073_1096.jpg)
આ પણ વાંચો : ધોરણ 10નું પરિણામ જાહેર: ગણિત અને ગુજરાતી વિષયનું પરિણામ નબળું આવ્યું
આગળ જઈને આ પરિણામ કામ જ લાગશે : ઝલક રાજપૂત
વિદ્યાર્થીની ઝલક રાજપૂતે જણાવ્યું હતું કે, મારા 98.49 પર્સન્ટાઈલ છે. હું આ પરિણામથી સંતુષ્ટ છું. મે આગળ સાયન્સમાં એડમિશન લીધું છે. મેં સારા માર્ક્સ મેળવવા માટે ખૂબ જ મહેનત કરી હતી, પરંતુ માસ પ્રમોશનના કારણે ના થઈ શક્યું. જોકે આગળ જઈને આ પરિણામ કામ જ લાગશે.
![વડોદરાના 42852 વિદ્યાર્થીઓ ધોરણ 10 માં પાસ થયા છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vdr-rural-01-board-result-avbbbb-gj10042_30062021152753_3006f_1625047073_823.jpg)
જે મહેનત કરી છે તે આગળ જઈને કામ આવશે : જયમીન દેવાતકા
વિદ્યાર્થી (student) જયમીન દેવાતકાએ જણાવ્યું હતું કે, મારા 93 ટકા પર્સન્ટેજ આવ્યા છે. હું સાયન્સમાં જવા માગું છું. આગળ કારકિર્દી (Career) બનાવવા માગું છું. આ માર્ક્સથી મને સંતોષ નથી. કારણ કે મહેનત કરીને જે માર્ક્સ આવે તેની ખુશી કંઈક અલગ જ હોય છે, પરંતુ જે કરેલું છે એ ફોગટ નથી જતું માટે જે મહેનત કરી છે તે આગળ જઈને કામ આવશે તેમ તેણે જણાવ્યું હતું.
પરિણામ એકંદરે ધોરણ 9નું વેઇટેજ વધારે હોવાથી સારું છે : પરેશ શાહ
બીજી તરફ આચાર્ય પરેશ શાહે જણાવ્યું હતું કે, ધોરણ 10નું કોરોના પછીનું આ પરિણામ (result) છે. આમ જોવા જઈએ તો ઓફલાઈન પરીક્ષા થઇ નથી, પરંતુ ધોરણ 9ની જે પરીક્ષાઓ થઈ 50-50 માર્ક્સની ઓફલાઈન તેને વેઇટેજ આપવામાં આવ્યું અને ત્યાર પછી ધોરણ 10માં જેટલી કસોટીઓ થઈ તેને ધ્યાનમાં રાખીને આ પરિણામ (result) મંગળવારે રાત્રે 8:00 વાગે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વેબસાઇટ પર અપલોડ કર્યું છે.
વિદ્યાર્થીઓને અસંતોષ છે છતાં આ પરિણામને સ્વીકારવું પડશે : પરેશ શાહ
વધુમાં પરેશ શાહે જણાવ્યું હતું કે, આમ જોવા જઈએ તો પરિણામ એકંદરે ધોરણ 9નું વેઇટેજ વધારે હોવાથી સારું પણ છે. જોકે તેજસ્વી વિદ્યાર્થીઓમાં ક્યાંકને ક્યાંક થોડો અસંતોષ છે. અહીં 21 વિદ્યાર્થીઓ એવા છે કે તે A-1 ગ્રેડની અંદર છે, ટોપ પર છે તેમ છતાં પણ વિદ્યાર્થીઓમાં નારાજગી એટલા માટે છે કે, બોર્ડે આ વખતે 80 ટકા કોર્સ રાખ્યો હતો. જો વધારે મહેનત કરી હોત તો આનાથી પણ સારું પરિણામ બાકીના વિદ્યાર્થીઓ મેળવી શક્યા હોત. પરિણામ (result) એકંદરે કોરોના મહામારીની અંદર ઓફલાઈન પરીક્ષા નથી થઈ તેવા સમયમાં એક બહુ સારી વ્યવસ્થિત રીતે વિદ્યાર્થીઓને કાંઈ અન્યાય ન થાય તેને ધ્યાનમાં રાખીને આ પરિણામ જાહેર કર્યું છે, જોકે વિદ્યાર્થીઓને અસંતોષ છે. એમણે આ પરિણામને સ્વીકારવું પડશે. 100 ટકા માસ પ્રમોશન (Mass promotion) પરિણામ છે.
પ્રવેશ સમસ્યા ન સર્જાય તેના માટે શાળા સંચાલકો તૈયાર અને સરકાર પણ કટિબદ્ધ : પરેશ શાહ
છેલ્લા અઠવાડિયાથી માધ્યમિક શિક્ષણ બોર્ડે પોતાની શિક્ષણ નીતિમાં ઘણાબધા ફેરફાર કર્યા છે. એક વર્ગની અંદર 60 વિદ્યાર્થીઓ સામાન્ય હોઈ શકે, પરંતુ આ વખતે એક વર્ગની અંદર 15 વધારે વિદ્યાર્થી સમાવવાનો પરિપત્ર બહાર પાડ્યો છે. જો એક વર્ગમાં આવા 15 વિદ્યાર્થીઓ હોય તો ગુજરાતની એવી ઘણી બધી શાળાઓ છે. ઘણા બધા વર્ગો છે એટલે નવા વર્ગોની મંજૂરીનો પ્રશ્ન હલ થઈ જશે અને કોઇ પ્રવેશ સમસ્યા ન સર્જાય તેના માટે શાળા સંચાલકો પણ તૈયાર છે અને સરકાર પણ કટિબદ્ધ છે તેમ આચાર્ય પરેશભાઈ શાહે જણાવ્યું હતું.