- સુમુલ દ્વારા ખોટી રીતે બે રૂપિયાનો વધારો લેવામાં આવે છેઃ યુથ કોંગ્રેસ
- અમૂલ ગોલ્ડ દૂધને સુમુલ દ્વારા 58 રૂપિયા વેચવામાં આવે છે
- સુમુલના વહીવટ ભવન સામે દેખાવો કરવામાં આવશે: યુથ કોંગ્રેસ
સુરતઃ યુથ કોંગ્રેસે આપેલા આવેદનપત્રમાં જાણાવ્યું કે, અમૂલ ડેરી દ્વારા અમૂલ ગોલ્ડ દૂધનું ઉત્પાદન કરવામાં આવે છે. જેનો પ્રતિ લીટર દૂધ ભાવ 56 રૂપિયા છે. જ્યારે એ જ દૂધ સુમુલ ડેરી દ્વારા બનાવીને વેચવામાં આવે છે, ત્યારે પ્રતિ લીટર 58 રૂપિયા ભાવે છે. જે ખરેખર ખૂબ જ નિંદનીય છે. અમૂલ ડેરી દ્વારા બનાવવામાં આવતી અમૂલ ગોલ્ડ દુધની પ્રોડક્ટનો ભાવ 56 છે અને સુમુલ ડેરી દ્વારા એ જ અમૂલ ગોલ્ડનું દૂધ 58 રૂપિયા વેચીને ખોટી રીતે બે રૂપિયાનો વધારો લેવામાં આવે છે.
સાથે જ વધુમાં જણાવ્યું કે, સુમુલ ડેરી દ્વારા ગ્રાહકોને છેતરીને દરરોજનો 13 લાખ અને વર્ષે 47.45 કરોડનો વાર્ષિક નફો કમાવવામાં આવી રહ્યો છે. પરંતુ એની સામે સુમુલ ડેરીની અંદર દૂધ ભરતા સભાસદોને એક પણ રૂપિયાનો નફો આપવામાં આવતો નથી.
સુમુલના વહીવટી ભવન સામે ઉગ્ર દેખાવ કરી ધરણા પ્રદર્શન કરવામાં આવશે
યુથ કોંગ્રેસે વધુમાં ઉમેર્યું કે, જો આ મામલે કડક પગલા ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી અને સુમુલના વહીવટી ભવન સામે ઉગ્ર દેખાવ કરી ધરણા પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.