- લાંબા સમયથી રજૂઆત છતાં પગલાં લેવામાં ન આવતા માહિલાઓનો મોરચો
- સુગર ફેક્ટરીના સંચાલકો દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવે છે
- મહિલાઓએ ઊડતા બગાસનો વિરોધ કરવા થાળી અને વેલણ વગાડ્યા
બારડોલી: પલસાણા તાલુકાના ચલથાણ ખાતે આવેલી ચલથાણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. (ચલથાણ સુગર ફેકટરી)ના બોઈલરમાંથી ઉડતા બગાસની સમસ્યાને લઈ આસપાસના રહીશો છેલ્લા કેટલાક સમયથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બગાસના રજકણોથી હેરાન સ્થાનિક મહિલાઓ સોમવારના રોજ મોરચો લઈને ચલથાણ સુગર ફેકટરી ખાતે સંચાલકોને રજૂઆતો કરી હતી. જ્યાં મહિલાઓને સંચાલકોએ ફક્ત આશ્વાસન આપ્યું હતું.
સંચાલકોના આશ્વાસનથી સંતોષ ન થતા મહિલાઓ પોતાના ઘરેથી સુગર સુધી ચાલતા આવી સુગર ફેકટરી ખાતે ધરણા પર બેઠી હતી અને થાળીઓ વગાડી વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત 'ઉડતા બગાસને બંધ કરો'ના નારા લગાવ્યા હતા. કેટલીક મહિલાઓ તેમના રહેણાંક વિસ્તારમાં પડેલો બગાસ થેલીઓમાં ભરીને લઇ આવી સુગર ફેકટરી પરિસરમાં નાખ્યો હતો.
સંચાલકોએ સમસ્યા દૂર કરવા આપ્યું આશ્વાસન
બીજી તરફ સુગર ફેકટરીના પ્રમુખ કેતન પટેલ દ્વારા સ્થાનિકોના પ્રશ્નનો નિકાલ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું અને ખૂબ જ ટૂંકા સમયગાળામાં ઉડતા બગાસની સમસ્યા દૂર કરવા માટે જણાવ્યું હતું.
મહિલાઓનું સાંભળનારું કોઈ નથી!
મહિલાઓ છેલ્લા ઘણા સમયથી આ ઊડતા બગાસને લઈને વિરોધ કરી રહી છે, પરંતુ ના તો તંત્ર ના તો આ ફેક્ટરીવાળા તેમનું સાંભળી રહ્યા છે. એટલે છેવટે મહિલાઓએ બગાસ ભરેલી થેલીઓ ખાલી કરીને વિરોધ કરવો પડ્યો હતો.