- રાજ્યમાં પ્લાઝમા અને રક્તની અછત વર્તાઈ રહી છે
- હરેન ગાંધીએ પ્લાઝમા દાન કરી સમાજ પ્રત્યેની ફરજને અગ્રતાક્રમ આપ્યો
- રસી લીધાના 28 દિવસ બાદ રક્તદાન તથા પ્લાઝમા દાન થઈ શકે
સુરત: કોવિડના ગયા વર્ષના પ્રથમ ફેઝથી સિવિલના ચીફ સિક્યુરિટી ઓફિસરની જવાબદારી વહન કરી રહેલા 49 વર્ષીય હરેનભાઈ નિવૃત એરફોર્સ ઓફિસર છે. તેમણે પ્લાઝમા ડોનેટ કરી શકાય એ માટે વેક્સિન લીધી ન હતી. તેમણે શક્ય હોય ત્યાં સુધી પ્લાઝમા ડોનેટ કરવાનો સંકલ્પ કર્યો છે. ગાંધીએ જણાવ્યું હતું કે, ‘સિવિલની સુરક્ષા ફરજ દરમિયાન ગઈ 04 માર્ચે કોરોનાના પ્રાથમિક લક્ષણો હતાં. બે દિવસ જરૂરી સારવાર લીધી, સાવચેતીના પગલાંરૂપે 06 માર્ચના રોજ કોરોના રિપોર્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવ્યો. 12 માર્ચ સુધી હોમ આઈસોલેશનમાં રહી સારવાર મેળવી, પરંતુ 12 માર્ચની રાત્રિ દરમિયાન શ્વાસ લેવામાં સમસ્યા સર્જાતા 13 માર્ચે મને નવી સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જ્યાં 07 દિવસ સુધી ડોક્ટરોની ઉમદા સારવારના કારણે હું કોરોનાને માત આપવામાં સફળ રહ્યો હતો.
આ પણ વાંચો: વડોદરામાં પ્લાઝમા ડોનેટ કરવા 50થી વધુ પોલીસકર્મીએ રજિસ્ટ્રેશન કરાવ્યું
પ્લાઝમા ડોનેટ ન થાય ત્યાં સુધી વેક્સિન લીધી ન હતી
તેમણે વધુમાં જણાવ્યું કે, મારો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો ત્યારે જ મેં સંકલ્પ લીધો હતો કે પ્લાઝમા ડોનેટ કરીને જરૂરિયાતમંદને મદદરૂપ બનવું છે. વેક્સિન અભિયાનમાં રસી મૂકાવવાની ઈચ્છા હતી, પરંતુ જો હું વેક્સિન મૂકાવું તો પ્લાઝમા ડોનેટ ન કરી શકું એટલે પ્લાઝમા ડોનેટ ન થાય ત્યાં સુધી વેક્સિન લીધી ન હતી, હવે જરૂરથી વેક્સિન લઈશ.
આ પણ વાંચો: કોરોના દર્દીને પ્લાઝ્મા ડોનેટ વધુ થાય તે માટે રેડ ક્રોસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન
28 દિવસ બાદ રક્તદાન તથા પ્લાઝમા દાન થઈ શકશે
હરેનભાઈ વધુમાં જણાવે છે કે, હાલના તબક્કે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, રાજ્યમાં પ્લાઝમા અને રક્તની અછત વર્તાઈ રહી છે. એક પૂર્વ સૈનિક અને જાગૃત નાગરિક તરીકે સૌને મારી અપીલ છે કે, પ્લાઝમા દાન કરીને કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોએ પણ પ્લાઝમા દાન તેમજ રક્તદાન માટે પણ આગળ આવવું જોઈએ. સરકાર દ્વારા 01 મેથી 18 વર્ષથી ઉપરના લોકોને રસી મૂકાશે. જેથી દરેક યુવાનો રસી મૂકાવતા પહેલા રકતદાન અવશ્ય કરો. કારણ કે રસી લીધાના 28 દિવસ બાદ રક્તદાન તથા પ્લાઝમા દાન થઈ શકશે. 'રક્તદાન મહાદાન' સૂત્રને અનુસરી સામાજિક ઉતરદાયિત્વ નિભાવવા તેમણે અનુરોધ કર્યો હતો.