- અજાણી મહિલાઓ સ્ટાફની નજર ચૂકવી 1 લાખની કિંમતની બે સોનાની ચેઈન ચોરી કરી ફરાર
- જવેલર્સના માલીકને જાણ થતા તેઓએ સમગ્ર મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
- પોલીસે ગુનો નોંધી તેમજ CCTV ફૂટેજના આધારે તપાસ શરુ કરી
સુરત: સરથાણા સ્થિત શ્યામધામ ચોક ખાતે આવેલા જવેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી ત્રણ અજાણી મહિલાઓ સ્ટાફની નજર ચૂકવી 1 લાખની કિંમતની બે સોનાની ચેઈન ચોરીને ફરાર થઇ ગઈ હતી. આ બનાવ અંગે જવેલર્સના માલીકને જાણ થતા તેઓએ સમગ્ર મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ગુનો નોંધી તેમજ CCTV ફૂટેજના આધારે તપાસ શરુ કરી છે.
CCTV ફૂટેજના આધારે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા
સુરતના સરથાણા સ્થિત આવેલી નિર્મળનગરમાં રહેતા 37 વર્ષીય સંજયભાઇ હરજીભાઇ ત્રાડા સરથાણા સ્થિત શ્યામધામ ચોક પાસે માણકી જવેલર્સ ધરાવે છે. ગત 28 મેના રોજ તેઓની દુકાને ત્રણ અજાણી મહિલાઓ ગ્રાહક બનીને આવી હતી. અને ત્યાં કામ કરતા સ્ટાફને સોનાની ચેઈન બતાવવા કહ્યું હતું. બાદમાં દાગીના ગમતા નથી તેમ જણાવી ત્યાંથી ફરાર થઇ ગઈ હતી. ગત 29 મેના રોજ જવેલર્સના માલિકે દાગીના તપાસતા તેમાંથી બે સોનાની ચેઈન ગાયબ હતી.
આ પણ વાંચો: પોરબંદરના બળેજ ગામે સવા બે કરોડની ખનિજ ચોરી ઝડપાઇ
ઘટના બાદ જવેલર્સ માલિકે તાત્કાલિક સરથાણા પોલીસ મથકમાં અરજી આપી
આ મામલે સ્ટાફની પૂછપરછ કરી હતી, પરંતુ સ્ટાફે કોઈ ચેઈન લીધી ન હોવાનું જણાવ્યું હતું. જેથી દુકાન માલિકે ત્યાં લાગેલા CCTV ફૂટેજ તપાસ્યા હતા. જેમાં ગત 28 મેના રોજ ગ્રાહકના સ્વાંગમાં આવેલી ત્રણ મહિલાઓ 1 લાખની કિંમતની સોનાની બે ચેઈન ચોરી કરતા નજરે ચડી હતી. આ ઘટના બાદ જવેલર્સ માલિકે તાત્કાલિક સરથાણા પોલીસ મથકમાં અરજી આપી હતી અને ત્યારબાદ 12 જુનના રોજ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં સરથાણા પોલીસે જવેલર્સ માલિકની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. અને CCTV ફૂટેજના આધારે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: ચીખલીગર ગેંગના સાગરિતો ઝડપાયા, જીમ ટ્રેનરો રાત્રે ઘરફોડ ચોરી કરતાં
સમગ્ર ઘટના CCTVમાં થઇ કેદ
30 અને 40 વર્ષીય ત્રણ મહિલાઓએ કરેલી ચોરી ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે મહિલાઓ ગ્રાહકના સ્વાંગમાં આવે છે અને ત્યાં હાજર સ્ટાફને સોનાની ચેઈન બતાવવાનું કહે છે અને બાદમાં નજર ચુકવી ચેઈનની ચોરી કરી ફરાર થઇ જાય છે. ત્રણેય મહિલાઓએ 13 ગ્રામ અને 7 ગ્રામની કુલ 1 લાખની કિંમતની સોનાની બે ચેઈનની ચોરી કરી હતી. આ ઘટના બાદ આખરે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસે તપાસ શરુ કરી છે.