સુરત: જિલ્લામાં ઉમરાના પીપલોદ વિસ્તારમાં આવેલી રેસિડેન્સી બિલ્ડીંગના ફ્લેટમાંથી લાખોની રોકડ રકમ સહિત 30 તોલા સોનાના ઘરેણાની ચોરી થઇ હતી. ચોરી કર્યા બાદ તસ્કરો ફરાર થઇ ગયા હતા. ચોરીની ઘટનાને અંજામ આપવા તસ્કરો કારમા આવ્યા હતા. તસ્કરો CCTVમાં કેદ થયા હતા, ત્યારે ઉમરા પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.
ઉમરાના પીપલોદ વિસ્તારમાં આવેલી સંસ્કૃતિ રેસિડેન્સી બિલ્ડિંગના નવમા માળે આવેલા બંધ ફ્લેટને તસ્કરોએ ગુરૂવારે રાત્રી દરમિયાન નિશાન બનાવ્યું હતું. ફ્લેટના દરવાજામાંથી લોક તોડી તસ્કરોએ લોકરના ખાનામાંથી 3.50 લાખની રોકડ રકમ સહિત 30 તોલા સોનાના ઘરેણાં મળી લાખોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની ઘટનાને અંજામ આપનારા તસ્કરો કારમાં આવ્યા હતા. જે ઘટના CCTVમાં કેદ થઈ હતી.
બિલ્ડીંગ પરિસરમાં લાગેલા CCTVમાં ફોર વ્હીલ કાર સહિત તસ્કરો ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર થતા નજરે પડ્યા હતા. પરિવારને ઘટનાની જાણ થતા તેમણે ઉમરા પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.