- છત્તીસગઢથી બે યુવતી મહિલા હેલ્પ લાઈનની મદદથી મુક્ત થઈ
- ઘરના કામકાજ કરવા સુરત આવી હતી યુવતીઓ
- પોતાની સાથે શોષણ થઇ રહી હોવાનું જણાતા મદદની અપીલ કરી હતી
સુરતઃ શહેરમાં છત્તીસગઢથી પોતાના પરિવારને આર્થિક મદદ પહોંચાડવા માટે 21 વર્ષીય યુવતી અને તેની બહેનપણી એક એજન્ટના માધ્યમથી આવી હતી. આ યુવતીઓ છત્તીસગઢના જસપુર જિલ્લાના મનોરા તાલુકાની રહેવાસી છે. રોજગારી માટે તેણીએ તેના જ ગામની અને હાલમાં દિલ્હીમાં રહેતી તેની બહેનપણીને વાત કરી હતી. જેથી તેણીએ બાયોડેટા મંગાવતા તેને પોતાના ગામમાં જ રહેતી અન્ય બે બહેનપણીનો બાયોડેટા મોકલી આપ્યો હતો. જેથી ત્રણેય બહેનપણીને છતીસગઢથી દિલ્હી બોલાવી લીધી હતી. જ્યાં સોનુ નામના ઈસમે એકને દિલ્હીમાં રાખી અને બે યુવતીને સુરતમાં ઉમાશંકર નામના દલાલ મારફતે રોજગારી માટે મોકલી આપી હતી.
દલાલી પેટે 50 હજાર લઇ બંનેને ઘર કામ માટે આપી દીધી
બે બહેનપણીઓને સુરતમાં લોકોના ઘરના કામકાજ કરવા માટે રાખી દીધી હતી. એજન્ટ ઉમાશંકરે જોલી પાર્કમાં રહેતા પ્રમોદ અગ્રવાલ અને ભટાર આશીર્વાદ પેલેસમાં રહેતા રાજેશ પ્રહલાટીકા પાસેથી દલાલી પેટે 50 હજાર લઇ બંનેને ઘર કામ માટે આપી દીધી હતી. અઢી મહિનો કામ કર્યા બાદ ખબર પડી કે, ઘરકામ માટે તેમનું શોષણ થઇ રહ્યું છે. અઢી મહિનાથી કામ કરવા છતાં માત્ર એક જ મહિનાનો પગાર અને ઉપરથી પરિવારથી તમામ સબંધો તોડી નાખવા માટે મજબુર કરાઈ હતી. એક યુવતી પાસે તો પ્રથમ દિવસે જ મોબાઈલ પણ માલિકો દ્વારા લઈ લેવામાં આવ્યો હતો.
અઢી મહિના સુધી તેમને ઘરથી બહાર પણ નીકળવા દેવામાં આવી
અઢી મહિનાની મહેનત બાદ પણ માત્ર એક જ મહિનાનો પગાર હાથમાં આવ્યો હતો. યુવતીઓએ જણાવ્યું હતું કે, અઢી મહિના સુધી તેમને ઘરથી બહાર પણ નીકળવા દેવામાં આવી ન હતી અને ઘરકામ પણ વધારે કરાવવામાં આવતું હતું. જેથી બાદમાં તેણીને ઘરમાં સેફટી ન લાગતા તેણીએ પોતાના મોબાઈલમાં "હમ તીન સહેલી કો મદદ કી જરૂરત હે, હમે ઘર જાના હે પ્લીઝ કોઈ હમે મદદ કરો" એવો મેસેજ લખી સોશિયલ મીડિયામાં મોકલતા છત્તીસગઢના તેના મિત્રએ મહિલા હેલ્પલાઇન 181 નંબરને આ મેસેજ આપ્યો હતો. જેથી મહિલા હેલ્પલાઈન દ્વારા આ નંબર પર કોલ કરી બન્ને યુવતીઓને મુક્ત કરવામાં આવી હતી.