- પુલવામા આતંકવાદી હુમલાની બીજી વર્ષીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ
- અનેક નામાંકિત હસ્તીઓ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા એકત્રિત
- ગ્રીનમેન તરીકે ઓળખાતા વિરલ દેસાઈએ શ્રદ્ધાંજલિ આપી
સુરત: પુલવામા આતંકવાદી હુમલાની બીજી વર્ષીએ સુરતના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન અને સુરતમાં ગ્રીનમેન તરીકે ઓળખાતા વિરલ દેસાઈ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દેશના નંબર વન ગ્રીન ઉધના જંક્શન સ્ટેશન પર દેશનું પહેલું પુલવામા સ્મારક આવેલું છે, જેથી સુરત શહેરની અનેક નામાંકિત હસ્તીઓ પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા એકત્રિત થઈ હતી.
'આઈ લવ ગ્રીન ઉધના સ્ટેશન’ના મોન્યુમેન્ટ્સનું અનાવરણ
આ ઉપરાંત ઉધના જંક્શન સ્ટેશન પર હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા ‘આઈ લવ ગ્રીન ઉધના સ્ટેશન’ના મોન્યુમેન્ટ્સનું અનાવરણ કરવામાં આવ્યું હતું. શહીદો અને દેશના સૈનિકો માટે પ્રશંસનીય કાર્ય કરતી સુરતની બે સંસ્થાઓ, ‘જય જવાન નાગરીક સમિતિ’ અને ‘મારુતિ વીર જવાન ટ્રસ્ટ’ના સ્થાપક સભ્યોનું પણ હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત 'જય જવાન નાગરીક સમિતિ'ના કાનજીભાઈ ભાલાલા અને મારુતી વીર જવાન ટ્રસ્ટના નનુભાઈ સાવલિયા વિશેષરૂપે હાજર રહ્યા હતા.
શહાદતને પૂરતું સન્માન આપવામાં આવે
આ પ્રસંગ સંદર્ભે ગ્રીનમેન વિરલ દેસાઈએ કહ્યું હતું કે, ‘ઉધના સ્ટેશન હવે દેશભરમાં નંબર વન ગ્રીન ઉધના સ્ટેશન તરીકે જાણીતું થયું છે. આ ગ્રીન સ્ટેશન પર દેશનું પહેલું અને એકમાત્ર પુલવામા શહીદ સ્મારક આવેલું છે, ત્યારે સુરતના નાગરિકોની જવાબદારી બને છે કે આજના દિવસે પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા આપણા જવાનોનું સ્મરણ કરાય અને તેમની શહાદતને પૂરતું સન્માન આપવામાં આવે હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન તે માટે પ્રતિબદ્ધ છે અને એટલે જ પાછલા બે વર્ષોથી અમે નિયમિત રીતે પુલવામા વર્ષી નિમિત્તે શહીદોને યાદ કરીએ છીએ’.
શહીદ જવાનોનાં નામે એક જ હરોળમાં મોટા વૃક્ષો પણ રોપાયા
ઉલ્લેખનીય છે કે, ઉધના સ્ટેશન પાસેના પુલવામા શહીદ સ્મારક પાસે શહીદ થયેલા જવાનોના નામની તકતી તો છે જ, પરંતુ તમામ શહીદ જવાનોનાં નામે એક જ હરોળમાં મોટા વૃક્ષો પણ રોપવામાં આવ્યા છે.