- બે વર્ષના વિરહ બાદ ભાવિભક્તો બાલગોપાલના દર્શન મંદિરમાં કરી શકશે
- રાત્રે 11 વાગે કૃષ્ણ ભજન અને 12ના ટકોરે વ્હાલાના વધામણા કરવામાં આવશે
- દેશ જય શ્રીકૃષ્ણના નાદ સાથે ગુંજી ઉઠ્યો
સુરત : જગતનિયંતા ભગવાન શ્રીકૃષ્ણના 5248માં જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. સમગ્ર દેશ ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં રંગાઈ ગયું છે. દેશભરના મંદિરોમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી થઇ રહી છે. ગુજરાતમાં દ્વારકા, ડાકોર, શામળાજી, ગોકુળ, મથુરા સહિત દેશભરના તમામ મંદિરોમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.
આ પણ વાંચો- શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર: કાન્હાએ વ્રજમાં 'હરિ ચંદ્રિકા' પોશાકમાં આપ્યા દિવ્ય દર્શન
વ્હાલાના વધામણા કરવા મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે
સુરત શહેરની વાત કરીએ તો સુરતમાં વ્હાલાના વધામણા કરવા મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. સમગ્ર સુરત શહેર જય શ્રીકૃષ્ણ, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કીના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે. સુરતના અલગ-અલગ મંદિરોમાં વિવિધ તૈયારીઓ થઇ ગઇ છે અને આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
વિવિધ મંદિરોમાં અનોખું આયોજન કરાયું
જહાંગીરપુરા ખાતે આવેલા ઇસ્કોન મંદિરમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ઇસ્કોન મંદિરમાં કૃષ્ણલીલા કથા, ભજન કથા, રાજભોગ આરતી, સાંજે 6 કલાકે પંચામુત અભિષેક, ડ્રામા, રાત્રે 11 વાગે કૃષ્ણ ભજન અને 12ના ટકોરે વ્હાલાના વધામણા કરવામાં આવશે અને ભવ્ય જન્મોત્સવ આરતી કરવામાં આવશે. આ ઉપરાંત દિવસમાં ભક્તો દર્શન કરી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ઇસ્કોન મંદિર રાત્રે 1 વાગ્યા સુધી ખુલ્લું રહેશે, પરંતુ મંદિરમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. ભક્તોને સોશિયલ ડીસ્ટન્સ સાથે દર્શન કરવા અને માસ્ક ફરજીયાત પહેરવા અપીલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો- ભગવાન શ્રી કૃષ્ણ અને સોમનાથ ભૂમિ વચ્ચે શું હતો ગાઢ સંબંધ જાણો અમારા વિશેષ અહેવાલમાં
ભક્તોમાં અનેરો ઉત્સાહ મળ્યો જોવા
કૃષ્ણ જન્મોત્સવને લઈને દેશભરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં પણ ઠેર-ઠેર વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. લોકો ઘરે પણ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી રહ્યા છે. ઘર-ઘરમાં લોકો વ્હાલાના વધામણા માટે તડામાર તૈયારીઓમાં જોતરાયા છે. સુરત ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની તૈયારીઓ બે મહિના પહેલાથી જ શરૂ કરી દેવામાં આવી હતી. છેલ્લા પાંચ દિવસથી છપ્પનભોગની તૈયારીઓ ચાલી રહી છે. બે વર્ષના વિરહ બાદ ભાવિભક્તો બાલગોપાલના દર્શન મંદિરમાં કરી શકશે.