- VNSGUના પૂર્વ વાઇસ ચાન્સલર ઘણીવખત વિવાદોમાં સપડાયા છે
- પૂર્વ વાઇસ ચાન્સલર શિવેન્દ્ર ગુપ્તા વધુ એક વખત વાઇરલ ઑડિયો ક્લિપ અંગે વિવાદમાં ફસાયા
- શિવેન્દ્ર ગુપ્તા આ અંગે જવાબ આપવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા
- સમાજ સેવક ધર્મેશ ગામીએ ઑડિયો ક્લિપ અંગે FSL તપાસ કરાવી હતી
- તપાસમાં શિવેન્દ્ર ગુપ્તાનો અવાજ હોવાનો ખુલાસો થયો
- મીડિયાથી મોઢું સંતાડી શિવેન્દ્ર ગુપ્તાએ ભાગવાની કોશિશ કરી હતી
સુરતઃ VNSGUના પૂર્વ વાઈસ ચાન્સલર શિવેન્દ્ર ગુપ્તાની કથિત ઑડિયો ક્લિપ મામલે શિવેન્દ્ર ગુપ્તા ઉમરા પોલીસ મથકમાં જવાબ આપવા માટે હાજર થયા હતા. આ અગાઉ તેઓએ જણાવ્યું હતું કે, આ ઑડિયો ક્લિપ તેમની નથી. પરંતુ સમાજ સેવક ધર્મેશ ગામી દ્વારા કરવામાં આવેલી એફ.એસ.એલ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, આ ઓડિયો ક્લિપ પછી શિવેદ્ર ગુપ્તાની છે.
ધર્મેશ ગામી દ્વારા આ અંગે ઉમરા પોલીસ મથકમાં અરજી કરાઈ હતી. ત્યારે તેનો જવાબ આપવા પહોંચેલા શિવેન્દ્ર ગુપ્તાને જ્યારે આ અંગે મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ મોઢું સંતાડી ભાગવાની કોશિશ કરી હતી.
VNSGUના પૂર્વ વાઈસ ચાન્સલર શિવેન્દ્ર ગુપ્તાની એક ઑડિયો ક્લિપ વાઇરલ થઇ હતી. જેમાં તેઓએ હિન્દુ ધર્મના સાધુ-સંતોની તુલના અમેરિકાના ક્રિમિનલ સાથે કરી હતી. સાથે બ્રહ્મચર્યને એક આડંબર ગણાવ્યું હતું. જો કે, આ ઑડિયો ક્લિપ ને લઇ શિવેન્દ્ર ગુપ્તાએ કહ્યું હતું કે, આ ઑડિયો ક્લિપ તેમની નથી. પરંતુ સુરતના એક જાગૃત સમાજ સેવક ધર્મેશ ગામી દ્વારા ઑડિયો ક્લિપની ફોરેન્સિક તપાસ કરાવતા આ ઑડિયો શિવેન્દ્ર ગુપ્તાનો જ હોવાનું બહાર આવ્યું છે. આજે આ અંગે ઉમરા પોલીસ મથકમાં કરાયેલી અરજીના અનુસંધાને શિવેન્દ્ર ગુપ્તા જવાબ આપવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પરંતુ મીડિયાના કેમેરા જોઈને તેઓએ મોઢું સંતાડીને ભાગવાની કોશિશ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ તેમનો કાર્યકાળ પૂર્ણ થયો છે અને તેમની જગ્યાએ પ્રથમવાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મહિલાની નિયુક્તિ થઈ છે. અગાઉ પણ શિવેન્દ્ર ગુપ્તા વારંવાર વિવાદોમાં આવતા રહ્યા છે. પરંતુ આ વખતે હિન્દુ સાધુ સંતો અંગે કરવામાં આવેલી ટિપ્પણી લઈ તેનો ભારે વિરોધ થયો છે. ત્યારે ડીસીબી વિધિ ચૌધરી સહિત રેન્જ વન એડિશનલ પોલીસ કમિશનર મૂલ્યાના દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.