- સુરતના હીરા ઉદ્યોગપતિ સવજી ધોળકિયા ફરી એક વખત લાઇમ લાઇટમાં આવ્યા
- ડ્રાઇવર્સને ખાસ ટ્રેનિંગ આપી રત્ન કલાકાર બનાવી દીધા
- આવકમાં ધરખમ વધારા સાથે સમયનો સદુપયોગ
સુરત : ભારે ભરખમ વાહન ચલાવનારા ડ્રાઇવર્સ હીરા ઘસી પોતાની આવક બમણી કરી શકે છે? આ વાત સુરતમાં સાચી સાબિત થઈ છે. દુનિયાની ટોચની ડાયમંડ કંપનીઓમાં સામેલ હરે ક્રિષ્ના એક્સપોર્ટના માલિક સવજી ધોળકીયાએ પોતાની કંપનીના ડ્રાઇવર્સને નવરા બેસી રહેલા જોઈને આ ડ્રાઇવર્સને ખાસ ટ્રેનિંગ આપી રત્ન કલાકાર બનાવી દીધા છે. તેમના 26 બસ ડ્રાઈવર્સ રોજે બસમાં કર્મચારીઓને દરેક વિસ્તારથી લાવે પણ છે અને તે બાદ તેમની સાથે બેસીને હીરા પણ ઘસે છે. આ બન્ને નોકરી કરી તેમની આવક હાલ 40 હજારથી 75 હજાર સુધી થઇ ગઇ છે.
બસ ડ્રાઇવર્સને આપી હીરા ઘસવાની ટ્રેનિંગ
દિવાળીમાં પોતાના કર્મચારીઓને બોનસમાં કાર અને ફ્લેટ ગિફ્ટ આપનારા સુરતના હીરા ઉદ્યોગપતિ સવજી ધોળકિયા ફરી એક વખત લાઇમ લાઇટમાં આવ્યા છે. આ વખતે તેમને પોતાના કંપનીના ડ્રાઈવર્સને ખાસ ટ્રેનિંગ અપાવી રત્ન કલાકાર બનાવી દીધા છે. કંપનીના બસ ડ્રાઈવર્સ દર મહિને પંદર હજાર જેટલો પગાર મેળવતા હતા, પરંતુ આ ટ્રેનિંગ બાદ તેમની આવકમાં 2થી 3 ગણા વધારો થયો છે. કંપનીના માલિકે સવજી ધોળકિયા એક દિવસ પોતાના કંપનીના ડ્રાઇવર્સને નવરા બેસી ચર્ચા કરતા જોયા હતા. જે બાદ તેમને વિચાર આવ્યો કે, આ ખાલી સમયમાં આ ડ્રાઇવર્સને ખાસ ટ્રેનિંગ અપાવી તેમની આવક બમણી કરવામાં આવે. આ વિચાર સાથે તેમને પોતાના તમામ બસ ડ્રાઇવર્સને હીરા ઘસવાની ટ્રેનીંગ અપાવી હતી. જેમાંથી આજે 26 બસ ડ્રાઈવર્સ હીરા ઘસે છે અને તેમની આવકમાં પણ વધારો થયો છે.
કર્મચારીઓ હીરા ઘસી મેળવી શકે છે વધારાની આવક
સવજી ધોળકીયાએ જણાવ્યું હતું કે, બસ ડ્રાઈવર કર્મચારીઓને લાવીને ખાલી બેસી જતા હોય છે અને આખો દિવસ માત્ર મોબાઇલ અથવા તો ચર્ચાઓ કરતા હોય છે. તેમના આ સમયનો સદુપયોગ થાય અને નકારાત્મકતા દૂર થાય તે માટે આ વિચાર આવ્યો હતો. આજે કોઈ પણ વ્યક્તિનો પગાર જેટલો વધારે થાય તેમ તે વિચારે છે. આજ કારણ છે કે, ખાલી સમયમાં તેમના કર્મચારીઓ હીરા ઘસી વધારાની રકમ મેળવી શકે, આ વિચાર સાથે તેમને તેમને ટ્રેનિંગ આપી હતી. જે તેમના વિચાર અને પરિવાર સ્વસ્થ રહે અને પ્રગતિ કરે.
અગાઉ ડ્રાઇવર્સ આવક માત્ર 15 હજાર જેટલી હતી
બસ ડ્રાઈવિંગ સાથે સાથે હીરા ઘસનારા પ્રવિણભાઈએ જણાવ્યું હતું કે, અગાઉ તેમની આવક માત્ર 15 હજાર જેટલી હતી, પરંતુ ટ્રેનિંગ બાદ તેમની આવકમાં વધારો થયો છે. અત્યારે તેમને 45 હજાર જેટલી કમાણી કરી રહ્યા છે અને પોતાનું ઘર પણ ખરીદી લીધું છે.
અગાઉ ભાડાના મકાનમાં રહેતા હતા
પ્રવીણભાઈની જેમ લક્ષ્મણભાઈ પણ હીરા ઘસીને વધારે આવક મેળવી રહ્યા છે. તેમની આવક પણ 50 હજાર કરતા વધુ થઈ છે. તેમને જણાવ્યું હતું કે, તેમને હવે બાળકોને સારી શાળાઓમાં મોકલી રહ્યા છે. આ સાથે અગાઉ ભાડાના મકાનમાં રહેતા હતા, પરંતુ હવે પોતાનો મકાનમાં રહેવા ચાલ્યા ગયા છે. સવારે અન્ય કર્મચારીઓને તેમના વિસ્તારમાંથી બસમાં બેસાડી તેમને કંપની લાવે છે અને ત્યારબાદ હીરા ઘસી આ જ કર્મચારીઓને શિફ્ટ પૂરી થતા તેમના ઘરે મૂકવા જાય છે.