સુરતમાં આજથી ફરી હીરાબજાર શરૂ
- અનલોક-1માં કોરોનાના કેસ વધતા 7 દિવસ સુધી હીરાબજાર બંધ કરાઇ હતી
- તંત્ર દ્વારા ડાયમંડ ઉદ્યોગ માટે ખાસ ગાઈડ લાઈન કરાઇ છે જાહેર
- હીરાબજાર શરૂ થતા લોકોના ટોળે ટોળા જોવા મળ્યા
સુરતઃ સુરતમાં અનલોક-1માં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો હતો. જેથી કોરોનાના કેસ વધતા ડાયમંડ ઉદ્યોગ 7 દિવસ માટે બંધ કરવામાં આવ્યો હતો, જેને શુક્રવારથી ફરી શરૂ કરાયો છે. ત્યારે શુક્રવારથી શરૂ થયેલા ડાયમંડ ઉદ્યોગમાં લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.
અનલોક 1 બાદ જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. શહેરમાં ગતરોજ 300થી વધુ કેસ સામે આવ્યા હતા. ત્યારે અનલોક-1 બાદ સૌથી વધુ કોરોનાના ભોગ રત્નકલાકારો બની રહ્યા છે. જેને લઈ ડાયમંડ ઉઘોગ 7 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ શુક્રવારથી ડાયમંડ ઉઘોગ ફરી શરુ થયો છે. તંત્ર દ્વારા ડાયમંડ ઉઘોગ માટે ખાસ ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે, પરંતુ શુક્રવારે જયારે ડાયમંડ ઉઘોગ શરુ થયો છે ત્યારે પહેલા જ દિવસે નિયમનો એસી તૈસી જોવા મળી રહી છે.
શહેરમાં હીરા બજારમાં લોકો વગર કામે ટોળું વળતા નજરે ચડ્યા હતા, તો કેટલાક લોકોએ તો માસ્ક પણ પહેર્યું ન હતું જ્યારે કેટલાક લોકોએ મોઢા પર રૂમાલ માત્ર દેખાડા માટે પહેર્યું હતું. આ ઉપરાંત સોશિયલ ડીસટન્સના ધજાગરા પણ અહી ઉડતા જોવા મળ્યા હતા. ત્યારે સવાલ અહી એ ઉભો થાય છે કે શું આવી રીતે કોરોનાની સ્થિતિમાં સુધારો થશે ? લોકો હવે સ્વયંભુ જાગૃત થાય અને કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરે તે ખૂબ જ જરૂરી છે. જેના કારણે શહેરની સ્થિતિમાં સુધાર આવી શકે.
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ ગુરુવારે શહેરીજનોને ચેતવણી આપી હતી કે આવનાર બેથી ત્રણ અઠવાડિયામાં શહેરમાં કોરોના કેસની સંખ્યા વધશે ત્યારે આ સ્થિતિ ચિંતાજનક છે. શહેરના ત્રણ મુખ્ય હીરા બજાર વરાછા મીની બજાર, ચોકસી બજાર અને મહિધરપુરા હીરા બજાર શુક્રવારથી શરૂ થતા લોકોના ટોળા જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે અગાઉ એક હજારથી વધુ કોરોનાના પોઝિટિવ કેસ હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના સામે આવી ચૂક્યા છે.