- ગુજરાત રાજ્યના મહાનગરોમાં કોરોનાની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે
- ત્રણથી ચાર દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન લગાડવામાં આવે
- એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી સાથે ચર્ચા બાદ નિર્ણય લેવાશે
- 300 વેન્ટિલેટર સુરતને આપવામાં આવશે
સુરત : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં સુરત ખાતે કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યપ્રધાન રૂપાણીએ સુરતમાં કોરોનાના વધતા કેસ, કોરોના સંક્રમિત દર્દીઓને ઝડપી અને યોગ્ય સારવાર મળી રહે તે માટે બેડની સુવિધામાં વધારો કરવા વેન્ટિલેટર ઓક્સિજનની સુવિધા, જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ રસીકરણમાં ઝડપ લાવવા વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં ઉપસ્થિત આરોગ્ય રાજ્ય પ્રધાન કિશોર કાનાની સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, સુરત સાંસદ દર્શના જરદોશ સહિત ધારાસભ્યો અને મુખ્યપ્રધાનના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ, આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે, સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને સુરત કલેક્ટર ધવલ પટેલ સહિતના સ્પેશિયલ ઓફિસર એમ.થેંનારસન હાજર રહ્યા હતા.
એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી સાથે ચર્ચા બાદ નિર્ણય
હાલ જે રીતે ગુજરાત રાજ્યના મહાનગરોમાં કોરોનાની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે, તેને ધ્યાનમાં રાખી હાઇકોર્ટ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે કે, ત્રણથી ચાર દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન લગાડવામાં આવે. હાઇકોર્ટના આ નિર્દેશને લઇ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સમાચાર માધ્યમોથી આ અંગે જાણકારી મળી છે. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી સાથે ચર્ચા બાદ નિર્ણય લેવાશે. કોર કમિટી નિર્ણયમાં ચર્ચા કરે અ અંગે જાણકારી એકત્ર કરાશે. તેઓએ જણાવ્યું હતું કે, સરકારે લોકોને ચિંતા નહીં કરવા માટે અપીલ છે. તકલીફ ન પડે એ સરકારની જવાબદારી છે, લોકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવાશે.