- VNSGU દ્વારા યોજવામાં આવી છે ઓનલાઈન એક્ઝામ
- ઓનલાઈન એક્ઝામ દરમિયાન ટેક્નિકલ ખામીથી વિદ્યાર્થીઓ ત્રસ્ત
- કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા જ ન આપી શક્યા, કેટલાક સાચા પ્રશ્નો જ સિલેક્ટ ન કરી શક્યા
સુરત: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા સોમવારના રોજ B.Ed. ના પ્રથમ સેમેસ્ટરની ઓનલાઇન પરીક્ષાઓ લેવામાં આવી હતી. જોકે, યુનિવર્સિટી દ્વારા પરીક્ષાનો સમય 12:30 થી 1.30 વાગ્યાનો હોવાની જાહેરાત કરાઈ હતી પરંતુ આ પરીક્ષા સવારે 10:30 વાગ્યે જ ચાલુ થઈ ગઈ હતી. આ ઉપરાંત જવાબ આપતી વખતે વિદ્યાર્થીઓ યોગ્ય વિકલ્પ પણ પસંદ કરી શક્તા ન હતા. એક્ઝામ પોર્ટલ પર આ પ્રકારની ક્ષતિને લઈને ઘણાબધા વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા હતા. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ પ્રશ્નોના યોગ્ય ઉત્તર પણ આપી શક્યા ન હતા.
જાણો શું કહ્યું પરીક્ષાર્થીઓએ...
B.Ed. ના પ્રથમ સેમેસ્ટરના પરીક્ષાર્થીઓએ જણાવ્યું હતું કે, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા જે પરીક્ષા લેવામાં આવી હતી. તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ટેકનિકલ પ્રોબ્લેમના કારણે પરીક્ષા આપી શક્યા ન હતા. કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન અમુક પ્રશ્નો સિલેક્ટ પણ કરી શક્તા ન હતા. યુનિવર્સિટી દ્વારા પરીક્ષાનો સમય 12:30થી 1.30 વાગ્યાનો આપવામાં આવ્યો હતો. પરંતુ આ પરીક્ષા સવારે 10.30 વાગ્યે જ ચાલુ થઈ ગઈ હતી અને ફરી પાછી જ્યારે 12:30 વાગે પરીક્ષા આપવા બેઠા ત્યારે ઓનલાઇન પરીક્ષા દરમિયાન અમુક પ્રશ્નો સિલેક્ટ થયા તો અમુક પ્રશ્નો સિલેક્ટ નથી થયા. યુનિવર્સિટીના હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરતા અમને ત્યાંથી જણાવવામાં આવ્યુંકે ટેકનિકલ પ્રોબ્લેમના કારણે તમારા પ્રશ્નો સિલેક્ટ નહી થયા હોય.
જાણો શું કહ્યું VNSGUના કુલપતિએ...
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાના જણાવ્યા પ્રમાણે, ઓનલાઇન એક્ઝામમાં આવી રહેલી ટેકનિકલ પ્રોબ્લેમના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ અટવાઈ રહ્યા છે. તે જ બાબતે અમે હાલ આ જ ઓનલાઇન પરીક્ષામાં આવી રહેલી ટેકનિકલ પ્રોબ્લેમ માટે એક બેઠક કરવા જઈ રહ્યા છીએ. જે યોગ્ય નિર્ણય હશે તે બેઠક બાદ જણાવવામાં આવશે અને યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર મૂકવામાં આવશે. અમને પણ સારું નથી લાગતું કે વારંવાર ઓનલાઇન પરીક્ષામાં ટેક્નિકલ પ્રોબ્લેમ આવે.