સુરત: લોકડાઉનનો પાંચમો તબક્કો શરૂ થતાની સાથે જ પ્રજાને વીજબીલ, વેરાબીલ સહિત શિક્ષણ ફી મુદ્દે ખાનગી સ્કૂલોમાંથી દબાણ કરવામાં આવી રહ્યું છે. લોકડાઉન દરમિયાન બંધ રહેલા ધંધા-વેપારના કારણે લોકો કફોડી સ્થિતિમાં મૂકાયા હતા. જો કે, હાલ ધંધા વેપાર શરૂ થતાની સાથે પ્રજા પર વીજબીલ અને વેરાબીલ થોપી દેવામાં આવ્યા છે. આ સાથે જ ખાનગી સ્કૂલો શિક્ષણ ફી ભરવા માટે વાલીઓ પર દબાવ બનાવી રહી છે.
આ અંગે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર સામાન્ય લોકોને વેરાબીલ અને વીજબીલ તેમજ શિક્ષણ ફી મુદ્દે રાહત આપે આ માટે કોંગ્રેસે રાજ્ય સરકારને 15 દિવસ જેટલો સમય આપ્યો છે. જો 15 દિવસમાં પ્રજાના હિતમાં નિર્ણય નહીં લેવામાં આવે, તો કોંગ્રેસ રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન કરશે.