સુરતઃ શહેરમાં રાત્રે કરફ્યૂં લાગુ પડ્યા બાદ ધારાસભ્યના દિકરાના મિત્રો બહાર નિકળ્યા હતા. ત્યારે મહિલા કોન્સ્ટેબલે કાર રોકતા બબાલ થઈ હતી. મિત્રોને અટકાવતા પ્રકાશ કાનાણી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં મહિલા કોન્સ્ટેબલ અને પ્રકાશ કાનાણી વચ્ચે રકઝક થઇ હતી. આ મામલે ફરિયાદ પણ નોંધાઇ છે.
આ સમગ્ર ઘટનાને પગલે રવિવારે સુનિતા યાદવને હેડ કવાટર્સ ખાતે નિવેદન માટે બોલાવામાં આવી હતી. જે દરમિયાન સિનિયર પોલીસકર્મીઓ અને સુનિતા વચ્ચે જીભાજોડી પણ થઇ હતી. પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જો કે, હેડ કવાટર્સથી નિકળ્યા બાદ સુનિતા મુદ્દાની વાત કરવાને બદલે મીડિયા સાથે સોશિયલ ડિસ્ટન્સિંગની વાતો કરવા લાગી હતી.
હેડ કવાટર્સમાંથી નિવેદન આપ્યા બાદ પત્રકારો સુનિતા યાદવનું નિવેદન લેવા માટે પહોંચ્યા હતા, ત્યાં તેને પત્રકારો સાથે રકઝક શરૂ કરી દીધી હતી. પત્રકારોએ જ્યારે તેના રાજીનામાં અંગે સુનિતાને પ્રશ્ન કર્યો ત્યારે સુનિતા યાદવે મુદ્દો ભટકાવી પત્રકારો સોશિયલ ડિસ્ટન્સિંગ ન રાખતા હોવાની વાત કહી હતી.
સુનિતા યાદવ મુખ્ય મુદ્દા પર કોઈ નિવેદન ન માગતી હોવાનું માલુમ પડ્યું હતું. આ ઉપરાંત સુત્રો તરફથી જાણવા મળ્યું છે કે, સુનિતા યાદવની જે ઓડિયો કલીપ વાયરલ થઇ છે, તે પાસ કાર્યકર્તા દ્વારા વાયરલ કરવામાં આવી છે. પાસના કાર્યકર્તા પાસે આ ઓડિયો કેવી રીતે આવ્યો તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.
અહીં મહત્વની બાબત એ છે કે, કોઈ પ્રધાનનો પુત્ર હોય કે પછી કોઈ સામાન્ય માણસ, જો કાયદાનો ભંગ કરે તો તેની સામે દંડનાત્મક કાયર્વાહી કરવી જોઈએ, પરંતુ સુનિતા યાદવે આવી કોઈ જ કાયર્વાહી કરવાને બદલે જીભાજોડી કરી હતી, અને વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો કોના દ્વારા બનાવવામાં આવ્યો છે, તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
જાણો શું છે સમગ્ર ઘટના...
કર્ફ્યૂ દરમિયાન મિત્રો સાથે નીકળેલા આરોગ્ય પ્રધાનના પુત્રને રોકતાં મહિલા પોલીસકર્મી સાથે દુર્વ્યવહારની ઘટના બનવી કેટલી યોગ્ય કહેવાય તે પ્રશ્ન સુરતમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. ગુજરાતના રાજ્ય આરોગ્ય પ્રધાન પુત્રએ તેના મિત્રોને બચાવવા માટે મહિલા પોલીસકર્મી સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. જેનો ઓડિયો વાયરલ થતાં રાજકારણ ગરમાયું છે.
સુરતમાં હાલ સુનિતા યાદવ અને પ્રકાશ કાનાણીનો વિવાદ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. જેમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. સુનિતા યાદવ તરફથી ઓડિયો વાયરલ થયા બાદ એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં સુનિતા પોતાની વર્દીનો રોફ બતાવતી જોવા મળે છે. આ સાથે કાનૂની કાર્યવાહી કરવાને બદલે સુનિતા પોતના સહકર્મીને ક્લિપિંગ બનાવવાનું કહી રહી છે. આ વીડિયો વાયરલ થયા બાદ સુનિતાની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા થયા હતા, ત્યારે આ મામલે ન્યાયિક કાર્યવાહી થાય તેવી લોકમાગ પ્રબળ બની છે.
12 જુલાઈઃ અમદાવાદમાં સુરતના મહિલા કોન્સ્ટેબલના સમર્થનમાં લોકોએ પ્લેકાર્ડ લઇ કર્યા દેખાવો
સુરતમાં થયેલા આરોગ્ય પ્રધાનના પુત્ર અને મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ મામલો ગરમાયો છે. ત્યારે સુનિતા યાદવના સમર્થનમાં અનેક લોકો આવ્યા હતા. અમદાવાદમાં પ્લે કાર્ડ બતાવીને મહિલા કોન્સ્ટેબલનું સમર્થન કરવામાં આવ્યું હતું.