- બુલેટ ચોરી કરતા બે આરોપી ઝડપાયા
- લીંબાયત પોલીસ મથકમાં નોંધાયેલી વાહનચોરીનો ભેદ ઉકેલાયો
- યુટ્યુબ પર વીડિયો જોઇને લોક તોડવાનું શીખ્યા હતા
સુરત : યુટ્યુબ પર વીડિયો જોઈ બુલેટની ચોરી કરતા 2 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા લીંબાયત પોલીસ મથકમાં નોંધાયેલા વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.
આંબેડકર નગર પાસેથી જાવીફ રફીક સૌયદ અને સમીર જમીર શેખને ઝડપી લીધા
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. જે દરમિયાન બાતમી મળી હતી કે, ચોરીની બુલેટ સાથે બે ઈસમો લીંબાયત વિસ્તારમાં ફરી રહ્યા છે. આ બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી લીંબાયતના આંબેડકર નગર પાસેથી જાવીફ રફીક સૌયદ અને સમીર જમીર શેખને ઝડપી લીધા હતા.
બુલેટનો લોક તોડી ચાલુ કરવાનો વીડિયો યુટ્યુબ પર જોયો હતો
પોલીસે આરોપીઓ પાસેથી ચોરીની એક બુલેટ કબજે કરી હતી પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે, યુ ટ્યુબ પર બુલેટનો લોક તોડી ચાલુ કરવાનો વીડિયો જોયો હતો. ત્યારબાદ તેમને લીંબાયત નારાયણ નગર પાસેથી બુલેટની ચોરી કરી હતી.
બન્ને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાશે
હાલ પોલીસે ચોરી કરેલી બુલેટ કબ્જે કરી લીંબાયત પોલીસ મથકના ગુનાનો ભેદ ઉકેલી લીધો છે. આ બન્ને આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સાથે પૂછપરછમાં અન્ય ચોરીના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.