બારડોલી: સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48નો માર્ગ વાહનચાલકો માટે માથાનો દુખાવો બની ગયો છે. છેલ્લા એક મહિનામાં આ રસ્તા પર 25થી વધુ લોકોના મોબાઈલ છીનવાઈ ચૂક્યા છે. અહીંથી પસાર થતા વાહનચાલકો કે રાહદારીઓના હાથમાંથી મોબાઈલ છીનવી અજાણ્યા શખ્સો ફરાર થઈ જાય છે. આ મોબાઈલ સ્નેચર્સને પકડવા પોલીસ માટે એક પડકાર સાબિત થયો છે. શુક્રવારે જ 15 મિનિટના જ ગાળામાં 3 જેટલા મોબાઈલ ખેંચી સ્નેચર્સ ફરાર થઈ ગયા હતા.
હાઈવે પર મોબાઈલ ચોરનારની ટોળકી સક્રિય થઈ છે, જે વાહનચાલકોને હેરાન કરી નાખે છે. શુક્રવારે કામરેજ ચાર રસ્તા ખાતે રહેતા ગિરીશ પ્રજાપતિ બાઇક પર વાવ ગામે આવેલા પોતાના ખેતરે જઈ રહ્યા હતા. તે જ સમયે ઉદ્યોગનગર નજીક આવેલા ઓવરબ્રિજ પર પાછળથી આવેલા બે શખસ તેમના શર્ટના ખિસ્સામાંથી મોબાઈલ ખેંચીને નાસી છૂટ્યા હતા. તે સમયે અને જગ્યાએ અન્ય એક બાઈકચાલકનો ફોન પણ ઝૂંટવી લેવાયો હતો.
આ ઘટનાની પંદર મિનિટમાં જ ઊંભેળ ગામ પાસે પણ એક બેન્કના મદદનીશ મેનેજરનો મોબાઇલની પણ ચીલઝડપ કરી ગયા હતા. પંદર મિનિટમાં જ ત્રણ મોબાઇલની ચીલઝડપને કારણે હાઇવે પરથી પસાર થતાં લોકોમાં ડરનો માહોલ છે. વારંવાર બની રહેલી મોબાઇલ ચોરીની ઘટના અને ચાલુ બાઈકે મોબાઇલ ઝૂંટવી લેવાની ઘટનાને કારણે મોટો અકસ્માત થવાની પણ સંભાવના રહેલી છે. આવા સમયે જિલ્લા પોલીસ હાઈવે પર પેટ્રોલીંગ સઘન બનાવે તેવી માગ ઉઠી છે.