સુરતઃ સુરતની સિદ્ધિ પટેલે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. 11 વર્ષની નાની ઉંમરમાં સિદ્ધિએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. 210 પ્લાસ્ટીક ગ્લાસનો ઉપયોગ કરીને તેણે 72 ઇંચ એટલે કે 6 ફૂટ ઊંચો પિરામિડ બનાવીને તેનું નામ સમગ્ર ભારતમાં રોશન કર્યું છે.
![India Book of Records](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-record-7200931_07092020172057_0709f_1599479457_423.jpg)
સિદ્ધિ હાલ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. અભ્યાસની સાથે સાથે બચેલા સમયનો કઈ રીતે સદુપયોગ કરવો તેનું શ્રેષ્ઠ ઉદાહરણ સિદ્ધિએ પૂરું પાડ્યું છે. પ્લાસ્ટીક ગ્લાસનો આ પિરામિડ બનાવવા માટે સિદ્ધિની છ મહિનાની મહેનત, ફોકસ, એકાગ્રતા અને બ્રિધિંગ ટેકનીકનો ઉપયોગ તેઓએ કર્યો હતો. તેણે પ્લાસ્ટિક ગ્લાસના કુલ 23 ફ્લોર બનાવ્યા હતા.
![India Book of Records](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-record-7200931_07092020172057_0709f_1599479457_496.jpg)
જોકે બનાવતી વખતે 15 ફ્લોર પછી તો એવું થતું કે થોડી હવાને કારણે તેમજ તેના શ્વાસોચ્છવાસની ગતિને કારણે અને બાજુમાંથી કોઈ પસાર થાય તેના કારણે પ્લાસ્ટિકના ગ્લાસનું બેલેન્સ ખોરવાતા પિરામિડ બનતા બનતા રહી જતો હતો, પરંતુ તેની માઇક્રો અવલોકન સ્કિલના કારણે તેની ક્લેરીટી પણ વધતી ગઈ કે, કયા કારણને લીધે પિરામિડ પડે છે અને ધીરે ધીરે તેણે જોયું કે બ્રીધિંગ કંટ્રોલ ખૂબ જ જરૂરી છે. તેણે બ્રિધીંગ ટેકનિક પર અભ્યાસ કરીને પોતાના સપનાને સાકાર કર્યું છે.
![India Book of Records](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-record-7200931_07092020172057_0709f_1599479457_394.jpg)
એપ્રિલ મહિનામાં ગુજરાત સરકાર તરફથી કોવિડ 19ની 2 મિનિટ ઇનોવેટિવ વીડિયો કોમ્પીટીશનમાં બે વિષય જેમાં તે ' stay home stay safe' અને 'how to boost immunity' માં પણ સિદ્ધિએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક હાસિલ કર્યો હતો. 11 વર્ષની નાનકડી ઉંમરમાં સિદ્ધિએ તેના નામ પ્રમાણે જ માતા-પિતા, કુટુંબ, સમાજ, સ્કૂલ અને શહેરનું નામ સમગ્ર ભારતમાં રોશન કર્યું છે.
![India Book of Records](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-record-7200931_07092020172057_0709f_1599479457_1037.jpg)
દરેક બાળકમાં સર્જન શક્તિ રહેલી જ હોય છે. તેને વિકસિત કરવી, વધારવી અને યોગ્ય દિશામાં વાળવી તે માતા પિતાની જવાબદારી છે. એવું દ્રઢપણે સિદ્ધિના માતા-પિતાનું માનવું છે. સિદ્ધિની માતા આયુર્વેદિક મર્મ દાબ સ્પેશ્યાલિસ્ટ છે. તેમનું મિરેકલ ક્લિનિક છે. તેઓ ગર્ભ સંસ્કાર કાઉન્સેલર અને લેખિકા પણ છે. નાનકડી સિદ્ધિએ આ સિદ્ધિ હાંસલ કરીને સાબિત કરી દીધું કે સફળતા માટે ઉંમર નહીં પણ મજબૂત મનોબળની જરૂર હોય છે.