- 19 મિલકતદારોની મિલકતો કારણે 95 ટકા બન્યા પછી પણ બ્રિજ અધુરો રહી ગયો
- ઉદઘાટન પોતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી રવિવારે કરશે
- સુરતની આશરે 10 લાખ જેટલી વસ્તીને લાભ થશે
સુરત: સુરતીઓ જે બ્રિજની વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા આખરે આ બ્રિજનું ઉદ્ઘાટન રવિવારના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે થશે. ઉમરા પાલ બ્રિજ બનાવવામાં આશરે સાત વર્ષથી પણ વધુનો સમય લાગ્યો છે. આ બ્રિજના ઉદ્ઘાટન બાદ રોજ આશરે 10 લાખ જેટલી સુરતની વસ્તીને લાભ લઈ શકશે. સાથે તાપી નદીના અન્ય બે બ્રિજ પર ટ્રાફિક ઓછો થશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા સાડા ચાર વર્ષથી બ્રિજના એપ્રોચ માટે જમીન ફક્ત 19 મિલકતદારોની મિલકતોને કારણે 95 ટકા બન્યા પછી પણ અધુરો રહી ગયો હતો.

આ પણ વાંચો: સુરતના પાલ- ઉમરા બ્રિજનું અટકી પડેલું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં પૂર્ણ થશે
બ્રિજ બનાવવા માટેનો ખર્ચ 89.99 કરોડ રૂપિયા
આ સમગ્ર મામલો કોર્ટમાં જતા વર્ષોની લડત બાદ BMC એકટનો ઉપયોગ કરીને જમીન સંપાદન કરી જમીન મેળવી હતી. વર્ષ 2015ની તારીખ 7 ડિસેમ્બરના રોજ BRTSના બીજા ફેઝને લઈને પાલ અને ઉમરા બ્રિજનું કામ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. તાપી નદી પર તૈયાર આ બ્રિજની કિંમત 89.99 કરોડ રૂપિયા છે. જેની લંબાઈ 776.50 મીટર છે અને 30 સ્પાન ધરાવે છે. બ્રિજ 95 ટકા તૈયાર થઇ ગયા બાદ પણ લાખો લોકો છેલ્લા ચાર વર્ષથી બ્રિજની રાહ જોઈ રહ્યા હતા.