સુરત: કોરોના વાઇરસને લઈ આજથી લોક ડાઉનનો ચોથો તબક્કો શરૂ થઈ ચૂક્યો છે. કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા તંત્ર દ્વારા અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જો કે આ વચ્ચે સુરતના એપીએમસી માર્કેટમાં શાકભાજી અને ફ્રુટની ખરીદી દરમ્યાન શોસિયલ ડિસ્ટનસિંગ ન જળવાતા સુરત પોલીસ કમિશનર દ્વારા મહત્વનો નિર્ણય લઈ માર્કેટમાં છૂટક શાકભાજી અને ફ્રુટના ખરીદ - વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જેના કારણે માર્કેટ માં પ્રવેશ કરતા છકડો,ઓટો રીક્ષા સહિત હાથ લારી અને પગપાળા આવતા લોકોની અવરજવર પર મનાઈ ફરમાવવામાં આવી છે.
સુરત એપીએમસી માર્કેટને લઈ સુરત પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટ દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં 18 મી મે થી 31મે દરમ્યાન શાકભાજી અથવા ફ્રુટના છૂટક ખરીદ - વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
છોટા હાથી, છકડા ,રીક્ષા અથવા હાથલારી જેવા થ્રિ - વ્હીલર ઉપરાંત ટુ - વ્હીલર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. માર્કેટમાં પગપાળા શાકભાજીની ખરીદી માટે આવતા લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
સરદાર માર્કેટમાં હાજર તમામ વ્યક્તિઓએ ફરજિયાત શોસિયલ ડિસ્ટનસિંગ રાખવા માટેની સૂચના આપવામાં આવી છે.માર્કેટમાં માત્ર શાકભાજી જથ્થો લઈ આવતા ભારે માલ વાહક ટ્રક,આયસર,ટ્રેકટર અથવા બંધ બોડીના ઇકો વાન સહિત 407 વાહનોને જ પ્રવેશ માટે છૂટ આપવામાં આવી છે.
એપીએમસી માર્કેટમાં શોસિયલ ડિસ્ટનસિંગનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે એપીએમસી માર્કેટ માં પ્રતિ દિવસ આઠ થી દસ હજાર વાહનોની અવરજવર રહે છે.
દરમ્યાન ખરીદી માટે પણ લોકોની ભારે ભીડ રહે છે.જેથી સોસીયલ ડિસ્ટનસિંગ ન જળવાતા પોલીસ કમિશનરે મહત્વનો નિર્ણય લઈ જાહેરનામું બહાર પાડ્યું છે.