- બાળકીનાં કપડાં અસ્તવ્યસ્ત જોતાં તેની માતાએ પૂછપરછ કરી હતી
- આરોપી ન મળતા ઉધના પોલીસે મકાન માલિકના પુત્રને ઉપાડી લીધો
- આરોપી મળ્યા બાદ પોલીસે મકાન માલિકના પુત્રને છોડી દીધો હતો
સુરત : ઉધના વિસ્તારમાં 4 વર્ષીય બાળકીને પાડોશમાં રહેતા 20 વર્ષીય યુવકે પોતાના ઘરમાં રમવાના બહાને બોલાવીને તેણીના કપડા ફાડીને છેડતી કરી હતી. આ બાળકીએ ઘરે જઈને પોતાની માતાને સમગ્ર આપવિતી સંભળાવતા ઉધના પોલીસને જાણ કરવામાં આવી હતી. ઉધના પોલીસે આરોપી પ્રશાંત ન પકડાતા તેના પરિચિત મકાન માલિકના પુત્રને પકડી લઇ જઇને પોલીસ સ્ટેશનમાં પાંચ કલાક સુધી રાખ્યો હતો. અંતે આરોપી મળતાં તેને છોડી દેવાયો હતો.
બાળકીને ઘરમાં રમવાના બહાને બોલાવી હતી
ઉધનામાં 4 વર્ષની માસૂમ બાળકી પોતાના ઘરની પાસે રમી રહી હતી. આ દરમિયાન ત્યાં નજીકમાં જ રહેતા 20 વર્ષીય પ્રશાંત લક્ષ્મણ મોરેએ તેણીને ઘરમાં રમવાના બહાને બોલાવી હતી. ત્યારબાદ કપડા ફાડીને છેડતી કરી હતી. બપોર બાદ ગુમ થયેલી બાળકી સાંજે પોતાના ઘરે પહોંચી હતી. બાળકીના કપડા અસ્તવ્યસ્ત જોવા મળતા તેની માતાએ પૂછપરછ કરી હતી.
પ્રશાંતને નજીકથી જ પકડી પાડ્યો હતો
માતાએ પૂછપરછ કરતા બાળકીએ રડતાં રડતાં આપવિતી જણાવી હતી. ઘટનાની જાણ આસપાસના લોકોને થતા તેઓ પણ ભેગા થઇ ગયા હતા. જ્યારબાદ ઉધના પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસમાં ફરિયાદ નોંધાતાની સાથે જ પ્રશાંત ભાગી છૂટ્યો હતો. જોકે, ઉધના પોલીસના સર્વેલન્સ સ્ટાફે મોડી રાત્રે પ્રશાંતને નજીકથી જ પકડી પાડ્યો હતો અને છેડતીના ગુના હેઠળ તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.