પાટીદારોના ગઢમાં પાટીલનું શક્તિ પ્રદર્શન
- સી આર પાટીલ શુક્રવારે સુરતની લેશે મુલાકાત
- સુરતમાં પાટીલની યોજાશે રેલી
- 30 કિમીની આ રેલીમાં હજારોની સંખ્યામાં લોકો જોડાશે
સુરતઃ નવસારીના સાંસદ સી આર પાટીલને ગુજરાત ભાજપના અધ્યક્ષ બનાવી પીએમ નરેન્દ્ર મોદીએ એક કાંકરે અનેક તીર માર્યા છે, ખાસ કરીને જ્ઞાતિ અને જાતિના ફેક્ટરને કોરાણે મૂકી પાટીલની પસંદગી કરાઈ છે. ગુજરાતના રાજકારણમાં પાટીદારો મજબૂત વગ ધરાવે છે, તેને જોતા શુક્રવારે જ્યારે નવા પ્રદેશ અધ્યક્ષ સુરત આવી રહ્યા છે, ત્યારે તેમના સ્વાગત માટેનો રૂટ અચાનક બદલી પાટીદાર વિસ્તારમાં આયોજિત કરવામાં આવ્યો છે.
સાંસદ સી આર પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ ગુરુવારે દિલ્હી ગયા હતાં, જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત ભલે માત્ર શુભેચ્છા પૂરતી કહેવામાં આવી હોય, પરંતુ હોમવર્ક આપવામાં માહિર પીએમ મોદીએ પાટીલને અનેક કામગીરી સોંપી છે.
નરેન્દ્ર મોદી જ્યારથી પીએમ બન્યા છે, ત્યારથી પાટીલને અનેક જવાબદારી આપવામાં આવી છે, પાટીલે તેને સુપેરે પાર પાડવાનો પ્રયાસ કર્યો છે અને ક્યારેય ના શબ્દ પીએમ મોદીને કહ્યા નથી. પાટીલે પીએમ ઉપરાંત રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને ગૃહપ્રધાન અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી. પાટીલના ગુજરાત આવ્યાં બાદ સંગઠન અને સરકાર બન્નેમાં ખૂબ મોટા ફેરબદલ થવાની શક્યતાઓ ચર્ચાવવા માંડી છે, જે આગામી દિવસોમાં જોવા પણ મળશે.
સુરતની રેલીનો રૂટ બદલ્યો, 30 કિમી રેલી
પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પહેલી વખત સી આર પાટીલ શુક્રવારે સુરત આવી રહ્યા છે, જેમના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે, જોકે મહત્વની વાત એ છે કે પહેલા સુરત એરપોર્ટ પરથી સ્વાગત કરી રેલી કાઢવાનું આયોજન હતું. જોકે હવે પાટીદારોના ગઢ સમાન વરાછા-કાપોદ્રા વિસ્તારનો રૂટ નક્કી કરાયો છે.
પાટીલની રેલી વાલક પાટીયા-સરથાણા જકાતનાકા-સીમાડા નાકા-કાપોદ્રા-હીરાબાગ-મીનીબજાર-દેવજીનગરથી ભવાની સર્કલ-અલકાપુરી બ્રીજથી - કિરણ હોસ્પિટલ - ગોધાણી સર્કલ - કતારગામ દરવાજા - મુગલીસરા ચોક - વિવેકાનંદ સ્ટેચ્યું - નાનપુરા થઈ અઠવાગેટથી મજુરાગેટ - ઉધના દરવાજા - સુરત ભાજપ કાર્યાલય ઉધના - સોસ્યો સર્કલ થઈ સી આર પાટીલની ઓફિસે પહોંચશે. 30 કિમીની આ રેલીમાં હજારોની સંખ્યામાં લોકો વાહન સાથે જોડાશે.
પાટીદારોના ગઢની પસંદગી કેમ?
સી આર પાટીલની નિયુક્તિ બાદ બિન ગુજરાતી અને પાટીદારોની અવગણના વગેરે બાબતો પાર્ટી અને સોશિયલ મીડિયામાં ચાલી રહી છે, ખાસ કરીને આગામી દિવસોમાં 8 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી આવી રહી છે, જેમાં પાટીદારો નુકસાન ન કરે અને પાટીદારોમાં પાટીલને સ્વીકૃતિ મળે તે માટે સુરતનો પાટીદારોનો ગઢ પસંદ કરવામાં આવ્યો છે, કારણ કે સુરતની અસર સૌરાષ્ટ્રમાં થાય છે, ત્યારે મેનેજમેન્ટમાં માહિર ગણાતા પાટીલે કેશુબાપાના આશિર્વાદ લઈ પોતાની રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે, જેથી સુરતના પાટીદાર વિસ્તારોમાં સી આર પાટીલના સ્વાગતનું શક્તિ પ્રદર્શન કોઈ નવા જૂની કરશે તે તો ચોક્કસ કહી શકાય છે.