- તૌકતે વાવાઝોડાથી કાચા પાકા મકાનની સાથે ખેતી પાકને ભારે નુકસાન
- પાકને નુકસાન થવા સાથે પશુપાલકોને પણ નુકસાન પહોંચ્યું
- સરકારને પશુપાલકોને થયેલા નુકસાનનો સર્વે કરી વળતર ચૂકવવા માગ
સુરત : તૌકતે વાવાઝોડાથી જિલ્લામાં કાચા પાકા મકાનની સાથે ખેતી પાકને ભારે નુકસાન થયું છે. ડાંગર, કેળા, કેરી સહિતના પાકને નુકસાન થવા સાથે પશુપાલકોને પણ નુકસાન પહોંચ્યું છે. વાવાઝોડા સાથે આવેલા વરસાદને કારણે પશુપાલકોનો ઘાસચારો પલળી ગયો હતો. ઘાસચારો પલળી જતા પશુપાલકોને નુકસાન થયું છે તેમ છતાં સરકારને પશુપાલકોને થયેલા નુકસાન સામે કોઈપણ પ્રકારનું વળતર નહીં ચૂકવતાં નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવા માગ કરી છે. સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે મુખ્ય પ્રધાનને લેખિતમાં રજૂઆત કરી વળતર ચૂકવવા માંગણી કરી છે.
આ પણ વાંચો : ખેડા જિલ્લામાં તૌકતેએ કર્યું પાકને વ્યાપક નુકસાન, ખેડૂતો દ્વારા યોગ્ય વળતરની માંગ
પશુપાલકોને ઘાસચારાના નુકસાન સામે વળતર ચૂકવવા રજૂઆત કરાઈ
દક્ષિણ ગુજરાતના હજારો પશુપાલકોને ઘાસચારો પડી જતા ભારે નુકસાન થયું છે. હાલ ચોમાસા માટે ઘાસચારો ભરવાની સિઝન ચાલી રહી છે. જેને પગલે પશુપાલકોએ મોંઘા ભાવે ઘાસચારો ખરીદે સંગ્રહ કર્યો હતો, પરંતુ તૌકતે વાવાઝોડાને પગલે ઘાસચારો પડી જતાં હવે પશુઓને ખવડાવવાનો મોટો પ્રશ્ન ઊભો થશે. જેથી પશુપાલકોને ઘાસચારાના નુકસાન સામે વળતર ચૂકવવા રજૂઆત કરી છે. જેથી રાજ્ય સરકાર દ્વારા જે રીતે વાવાઝોડાને કારણે મકાનના થયેલા નુકસાનનું વળતર ચૂકવવાની જાહેરાત કરી છે તે જ પ્રમાણે આગામી દિવસોમાં તે અંગેની જાહેરાત કરી જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા સર્વેની કામગીરી કરીને બને તેટલી ઝડપથી વળતર ચૂકવવાની વ્યવસ્થા કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.
આ પણ વાંચો : મોરબી જિલ્લામાં વાવાઝોડામાં ખેતીના પાક બચી ગયો
પશુપાલકોના તબેલાને નુકસાન થયું હોય તો તેઓને 2100 રૂપિયા વળતર
ખેડૂત આગેવાન જયેશ પટેલે જણાવ્યું હતું કે, તૌકતે વાવાઝોડામાં પશુપાલકોના તબેલાને નુકસાન થયું હોય તો તેઓને 2100 રૂપિયા વળતર આપવા સરકારે જોગવાઈ કરી છે, પરંતુ તબેલાને નુકસાન થવાના કેસમાં 2100 રૂપિયાનું વળતર ખૂબ જ ઓછું હોવાથી પશુપાલકોને થયેલું પૂરેપૂરું વળતર ચૂકવવા રજૂઆત કરી છે.