- ગયા વર્ષે 12 સપ્ટેમ્બરે વેટરનરી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ
- 11 ડિસેમ્બર 2019ના રોજ વહેલી સવારે જમકુડી હોસ્પિટલમાંથી ગુમ થઇ
- કોર્ટે હોસ્પિટલના ટ્રસ્ટીને 24મી સપ્ટેમ્બરના રોજ પુરાવા સાથે હાજર રહેવાની નોટિસ આપી
સુરત: ગોપીપુરા વિસ્તારમાં રહેતા મહિલા વકીલે હોસ્પિટલમાં દાખલ કરેલી જમકુડી નામની શ્વાન ગુમ થઈ જતા કોર્ટમાં ફરિયાદ કરી હતી. 15 વર્ષની ઝમકુડીને કાનમાં ઇન્ફેક્શન હોવાથી ધર્માદા સંસ્થા પ્રયાસમાં સૌપ્રથમ ચેકઅપ માટે લઇ જવાઇ હતી. જ્યાંથી સારવાર માટે એક ખાનગી વેટરનરી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી.
એક આંખે મોતિયો હોવાથી કરાઈ હતી દાખલ
ગોપીપુરા ખાતે રહેતા વકીલ જાગૃતીબેન ઠક્કર પાસે જમકુડી નામની એક પાલતુ શ્વાન હતી. 15 વર્ષની ઝમકુડીને કાનમાં ઇન્ફેકશન થતાં પ્રયાસ સંસ્થામાં બતાવાયું હતું. ત્યારબાદ તારીખ 12 સપ્ટેમ્બર 2019ના રોજ એક ખાનગી વેટરનરી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાઇ હતી. જ્યાં તબીબોએ ઝમકુડીને એક આંખે મોતિયો હોવાની જાણ કરી હતી. ઝમકુડીને હોસ્પિટલમાં સારવાર માટે મૂકીને વકીલ જાગૃતીબેન ઘરે જતા રહ્યા હતા.
વહેલી સવારે સાડા ચાર વાગ્યે જમકુડી થઈ હતી ગુમ
બે મહિના બાદ એટલે કે, 11 ડિસેમ્બર 2019ના રોજ હોસ્પિટલમાં ફોન કરીને જમકુડીની ખબર પૂછવામાં આવતાં તેની સારવાર ચાલુ હોવાનું હોસ્પિટલ સ્ટાફે જણાવ્યું હતું. ત્યારબાદ બપોરના સમયે હોસ્પિટલમાંથી વકીલ જાગૃતીબેન ઠક્કરને ફોન આવ્યો હતો અને તેમણે 11 ડિસેમ્બર 2019ના રોજ વહેલી સવારે સાડા ચાર વાગ્યે જમકુડી હોસ્પિટલમાંથી ગુમ થઇ ગઇ હોવાની જાણ કરી હતી. ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરાયેલી ઝમકુડીની સુરક્ષાની હોસ્પિટલની છે, હોસ્પિટલે જાગૃતીબેનને નવ કલાક બાદ તેના ગુમ થયાની માહિતી અપાતા તેમણે સંસ્થા વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો- રક્તદાન એ મહાદાન: એક કુતરાએ બીજા કુતરાની જીંદગી બચાવવા રક્તદાન કર્યું હોય તેવો કિસ્સો...
રઝડપાટ અને નાસભાગને કારણે તેની તબિયત સતત બગડેલી રહેતી
ઝમકુડીને શોધવા પોલીસ ફરિયાદ ઉપરાંત અન્ય જાહેરાતો પણ પ્રસિદ્ધ કરાવાઈ હતી. ત્યારે જમકુડી 4 જાન્યુઆરી 2020ના રોજ પ્રયાસ સંસ્થાને મળી આવી હતી. પરંતુ ભારે રઝડપાટ અને નાસભાગને કારણે તેની તબિયત સતત બગડેલી રહી હતી. 30 નવેમ્બરના રોજ 2020ના રોજ ગંભીર સ્થિતિમાં ઝમકુડીનું મોત થયું હતું. આ કેસમાં હવે વેટરનરી હોસ્પિટલ અને પાંજરાપોળના ટ્રસ્ટીઓ સામે નોટિસ જાહેર કરી આગામી તારીખ 24મી સપ્ટેમ્બરના રોજ પુરાવા સાથે હાજર રહેવાની નોટિસ આપી છે.