- 'મારૂ ગામ, કોરોનામુક્ત ગામ' અભિયાન શરૂ કરાશે
- 18 હજાર ગામમાં અભિયાન શરૂ કરાશે
- ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને આરોગ્યતંત્રની કામગીરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ
સુરત : વન, આદિજાતિ વિકાસ, મહિલા અને બાળકલ્યાણ પ્રધાન ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે પ્રવર્તમાન કોવિડ-19ની સ્થિતિ અને આરોગ્યતંત્રની કામગીરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
પ્રથમ ફેઝથી જ અનેકવિધ આરોગ્યલક્ષી પગલાઓ લીધા છે : ગણપતસિંહ વસાવા
ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, ઓક્સિજન અને રેમડેસીવીર ઈન્જેક્શન સહિતના ઉપલબ્દ્ધ સંસાધનોના સુનિયોજીત ઉપયોગ દ્વારા શહેર- જિલ્લાના તમામ નાગરિકોને સમયસર સારવાર ઉપલબ્દ્ધ થાય ઉપરાંત સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓને ઉપયુક્ત સારવાર મળે તે માટે કામગીરીને વધુ વેગવાન બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, કોરોનાનું સંક્રમણ અટકાવવાં રાજ્ય સરકારે પ્રથમ ફેઝથી જ અનેકવિધ આરોગ્યલક્ષી પગલાઓ લઈને લોકોને કોરોનામુક્ત રાખવા તેમજ સારવાર ઉપલબ્દ્ધ કરવાં પ્રમાણિક પ્રયાસો કર્યા છે.
'મારૂ ગામ, કોરોનામુક્ત ગામ' અભિયાન શરૂ કરાશે
વધુમાં તેઓએ જણાવ્યું કે, રાજ્યના સ્થાપના દિવસ 1લી મે થી 15 મે સુધી રાજ્યના 18,000 ગામોમાં કોરોના સામેની લડતને સફળ બનાવવા અને જનજાગૃત્તિથી કોરોના સંક્રમણથી મુક્ત રાખવા 'મારૂ ગામ, કોરોનામુક્ત ગામ' અભિયાન શરૂ કરાશે. આ અભિયાન હેઠળ ગામોમાં શરદી, ઉધરસ, તાવ જેવા લક્ષણો ધરાવતાં ગ્રામજનોને ગામની વાડી, કોમ્યુનિટી હોલ કે પ્રાથમિક શાળાઓમાં આઈસોલેટ કરવામાં આવશે અને સારવાર આપવામાં આવશે. ગામના સરપંચ, ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતના સહયોગથી સતર્કતા, જવાબદારી અને સહિયારા પુરૂષાર્થથી કોરોનાને નાથવાના પ્રયાસો કરવામાં આવશે, જેથી જિલ્લા આરોગ્ય તંત્ર આ અભિયાનને ઘર ઘર સુધી લઈ જઈને લોકજાગૃત્તિ કેળવશે અને ગ્રામ્ય સ્તરે જ સારવાર અને આઇસોલેશનની વ્યવસ્થા ઉભી કરશે તેમ જણાવ્યું હતું.
22,305 કેસો એકટીવ
કોવિડ-19ની વિગતો આપતા વન, આદિજાતિ કલ્યાણ પ્ર શ્રીએ જણાવ્યું કે, કોરોના વધતા જતા કહેરની પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા તથા જરૂરી સગવડો ઉપલબ્ધ કરવા માટે કેન્દ્ર તથા રાજય સરકાર સાથે મળીને તમામ સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરત શહેર-જિલ્લામાં કોરોનાના 1,00,013 કેસો નોંધાયા છે. જેમાં 88,997 સ્વસ્થ થઈ ચુકયા છે. જયારે 22,305 કેસો એકટીવ છે અને 18,354 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર મેળવી રહ્યા છે.
આ પણ વાંચો : ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં સારવારની ક્ષમતા સુધારવા માટે સરકાર અને DRDO વચ્ચે બેઠક
ગુજરાતમાં એક હજાર ટન ઓક્સિજનની ફાળવણી કરવામાં આવી રહી છે
સુરત શહેરમાં દરરોજ 30,000 અને જિલ્લામાં 5,000 ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યા છે. જ્યારે દરરોજ 3,800 જેટલા રેમડેસીવીર ઈન્જેકશનોની ફાળવણી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, હાલમાં દેશના પાંચ રાજયો ઓક્સિજનનું ઉત્પાદન કરી રહ્યા છે. જેનું સમગ્ર નિયંત્રણ કેન્દ્ર સરકાર કરી રહી છે. ગુજરાતમાં એક હજાર ટન ઓક્સિજનની ફાળવણી કરવામાં આવી રહી છે. જેથી ઓક્સિજનની મર્યાદાના કારણે હાલ નવી સિવિલ હોસ્પિટલને 46 ટન અને સ્મિમેરને 25 ટનની ફાળવણી કરવામાં આવે છે. સમગ્ર વહીવટીતંત્ર પ્રજાની સુખાકારી માટે પ્રયાસરત હોવાનું જણાવીને કોરોના નિયંત્રણ માટે સૌ સાથે મળીને કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો.
આ પણ વાંચો : સુરતમાં 60 ટકાથી વધુ દર્દીઓ જિલ્લાની બહારના, રોજે 32,000 ટેસ્ટિંગ
બે દિવસ બાદ સ્મિમેરમાં એક ટન અને પછીના સમયમાં વધુ બે ટનનું ઉત્પાદન થાય તે પ્રકારની કામગીરી
તેઓએ વધુમાં જણાવ્યું કે, ગયા વર્ષની લહેરમાં શહેર- જિલ્લામાં 442 વેન્ટીલેટર બેડ હતા, જે વધારીને હાલમાં 1,222 જેટલા કરવામાં આવ્યા છે. જ્યારે ગુજરાતમાં 1 કરોડના વેક્સિનેશનની સામે સુરત શહેર- જિલ્લામાં નવ લાખ જેટલું વેકિ્સનેશન થઈ ચુક્યું છે. હાલમાં સિવિલમાં રોજના ત્રણ ટન ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, જ્યારે બે દિવસ બાદ સ્મીમેરમાં એક ટન અને પછીના સમયમાં વધુ બે ટનનું ઉત્પાદન થાય તે પ્રકારની કામગીરી ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.