- ટીમવર્ક દ્વારા સફળતા અવશ્ય મળે જ છે
- તબીબી ટીમે સુરતની એક મહિલાને મૃત્યુના મુખમાંથી ઉગારી લીધી
- તબીબોના ટીમવર્કથી મહિલાને નવજીવન મળ્યું
સુરત: જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામના પરિણીતા રેખાબેન રવિન્દ્રભાઇ રાજપુત લગ્નના 12 વર્ષ બાદ ગર્ભવતી બન્યા. જેથી પરિવાર દ્વારા નિયમિતપણે પ્રાઇવેટ હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ કરવતા હતા. જે દરમિયાન સગર્ભાનું બ્લડ પ્રેસર વધુ રહેતું હતું. જેની દવા પણ શરૂ હતી પરંતુ 7 એપ્રિલના રોજ રાત્રીના સમયે રેખાબેનની તબિયત બગડતાં પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડ્યાં હતા. જ્યાં સોનાગ્રાફી કરતાં જાણ થઇ કે, આઠ માસના બાળકનું સગર્ભા માતાના ઉદરમાં જ મૃત્યુ થયું છે. સગર્ભાના શરીરમાં લોહીનું પ્રમાણ ખુબ ઓછું હોવાનું જણાતા સ્મીમેર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. તેમને બ્લડની 16 બોટલ અને વેન્ટિલેટર સપોર્ટ ઉપર રાખી ઓપરેશન કરી મૃત્યુના મુખમાંથી ઉગારી સ્વસ્થ કર્યા હતાં.
સહિયારા પ્રયાસોથી સફળ ઓપરેશન કરી માતાનો જીવ બચાવ્યો
ગાયનેક વિભાગના હેડ અને પ્રોફેસર ડો.અશ્વિન વાછાણીના માર્ગદર્શન હેઠળ ડો.મેઘના શાહ, ડો.શ્રીમ દેસાઇ, ડો.સેજલ પટેલ તથા એનેસ્થેટિસ્ટ ડો. ભાવના સોની, ડો.હેતલ હાથીવાલા, ડો.સઇદા મુજપુરવાલા, ડો.મેહુલ સુરતવાલા, ડો.રિન્કલ પટેલ, ડો.તનુશ્રી, ડો.મમતા, ડો.નિધિ, ડો.જહાન્વી, ડો.હેત્વીના સહિયારા પ્રયાસોથી સફળ ઓપરેશન કરી માતાનો જીવ બચાવ્યો હતો.
7 એપ્રિલના રોજ સર્ગભા મહિલા રેખાબેન રાજપુતને સ્મીમેરમાં લાવવામાં આવ્યા
ગાયનેક વિભાગના હેડ અને પ્રોફેસર ડો.અશ્વિન વાછાણીએ જણાવ્યું હતું કે, હાલની કોરોનાની વિપરીત પરિસ્થિતિમાં ગાયનેક તથા અન્ય વિભાગ પોતાની કામગીરી નિભાવી રહ્યા છે. કોવિડ ડ્યુટી હોવા છતાં પણ પોતાની રેગ્યુલર ડ્યુટીને ન્યાય આપી તબીબો, નર્સિંગ સ્ટાફ સેવા આપી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં 7 એપ્રિલના રોજ સર્ગભા મહિલા રેખાબેન રાજપુતને સ્મીમેરમાં લાવવામાં આવ્યા ત્યારે તેમની હાલત ખુબ ગંભીર હતી. લોહીનું પ્રમાણ 5 ટકાથી પણ ઓછું હતું. મેલીનો ભાગ ગર્ભાશયથી છુટો પડી ગયો હતો. જેને મેડિકલની ભાષામાં Abruption placenta કહેવાય છે. જેના કારણે માસિકના રસ્તેથી ખૂબ લોહી વહેતું હતું. આ પરિસ્થિતિમાં દર્દીની લોહી જામવાની પ્રક્રિયા ધીમી થઇ જાય છે. દર્દીને લોહીની બોટલ ચઢાવવાની સાથે તાત્કાલીક દર્દીને ઓપરેશનમાં લઇ જીવ બચાવી શકવામાં સફળતા મળી હતી.
આ પણ વાંચો: કચ્છમાં કોરોનાકાળમાં આરોગ્ય તંત્રના સર્વેલન્સથી બાળકો વૃદ્ધો અને સગર્ભા મહિલાઓના જીવ બચાવાયા
દર્દીને વેલન્ટિલેટરના સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા
એનેસ્થેટિસ્ટ વિભાગના ડો.ભાવના સોનીએ જણાવ્યું હતું કે, ‘મહિલાના શરીરમાં લોહીનું પ્રમાણ સતત ઘટતું જતું હતું. ઓપરેશન દરમિયાન તેમના ધબકારા વધી ગયાં હતા અને લોહીનું દબાણ ઓછું થઇ ગયું હતું, જેથી શારીરિક સ્થિતિ પૂર્વવત કરવા દવા ચાલુ કરવામાં આવી અને દર્દીને વેલન્ટિલેટરના સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.' 3 દિવસ સ્મીમેરના ગાયનેક અને એનેસ્થેસિયાના તબીબોના ટીમવર્કથી મહિલાને નવજીવન મળ્યું છે. કોરોનાના કપરા કાળમાં સિવિલ અને સ્મીમેરના ડોક્ટરો કોરોનાની ફરજમાં પણ પ્રવૃત્ત છે, ત્યારે દર્દીને મોતનાં મુખમાંથી પાછું ખેંચી લાવવામાં તેમજ દર્દીની ગર્ભાશયની કોથળી બચાવવામાં સફળ થયા છીએ. જેથી દર્દી ભવિષ્યમાં ફરીવાર માતા બની શકે.