- માંગરોળ અને વાંકલ ગામના બજારો બંધ રહ્યા
- રવિવારે એક જ દિવસમાં 72 કેસો
- વધી રહેલા કેસોને કારણે લેવાયો નિર્ણય
સુરત: જિલ્લાના માંગરોળ તાલુકામાં વધી રહેલા સંક્રમણને કારણે ઝંખવાવ અને વાંકલ ગામમાં સોમવાર અને મંગળવારના રોજ સ્વૈચ્છીક બંધનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે મુજબ 12 એપ્રિલે પ્રથમ દિવસે બન્ને ગામના બજારો જડબેસલાક બંધ રહ્યા હતા.
આ પણ વાંચો: વિસાવાડા ગામમાં સ્વૈચ્છીક લૉકડાઉન કરાયું
માંગરોળ તાલુકામાં અત્યાર સુધીમાં 1,488 કેસો
સુરત જિલ્લામાં અત્યાર સુધી સુરત શહેરને અડીને આવેલા વિસ્તારોમાં જ કોરોના સંક્રમણ વધતું હતું, પરંતુ હવે આ સંક્રમણ ગ્રામીણ વિસ્તારની સાથે અંતરિયાળ વિસ્તારોમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. માંગરોળ તાલુકામાં અત્યાર સુધીમાં 1,488 કેસો નોંધાઈ ચૂક્યા છે અને 11 એપ્રિલે તો રેકોર્ડબ્રેક 72 કેસો એક જ દિવસમાં નોંધાયા હતા. જેને કારણે તાલુકાના લોકોમાં ભય ફેલાઈ ગયો છે.
ગ્રામ પંચાયત અને વેપારીઓએ સ્વૈચ્છીક લોકડાઉનની કરી હતી જાહેરાત
વધી રહેલા સંક્રમણને રોકવા માટે માંગરોળ તાલુકાના વાંકલ અને ઝંખવાવ ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને વેપારીઓએ આગળ આવી સોમવાર અને મંગળવારના રોજ સ્વૈચ્છીક લોકડાઉન લાગુ કરવાનું નક્કી કર્યું હતું. આથી બન્ને ગામોમાં બે દિવસ સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત બાદ 12 એપ્રિલે પ્રથમ દિવસે વાંકલ અને ઝંખવાવ ગામના તમામ બજારો બંધ રહ્યા હતા.
આ પણ વાંચો: જામનગર તાલુકાના 102 ગામોએ સ્વૈચ્છિક લોકડાઉન કરી જાહેર
લોકોએ ઘરની બહાર નીકળવાનું પણ ટાળ્યું
દવાની દુકાનો તેમજ આવશ્યક સેવાઓ અને ચીજવસ્તુઓની દુકાનને બાદ કરતાં સ્વયંભૂ બંધ જોવા મળ્યું હતું, સાથે જ લોકોએ પણ ઘરની બહાર નીકળવાનું પણ ટાળ્યું હતું. ગામડાઓના રસ્તા પર વાહનોની અવર-જવર ઓછી થઈ જતાં રસ્તાઓ પણ સૂમસામ ભાસી રહ્યા હતા.
ગ્રામજનોના સહકારથી બજારો બંધ રહ્યા
વાંકલના વેપારી રાજુભાઇ સોનીએ જણાવ્યું હતું કે, કેસોની સંખ્યા વધતાં ગામના લોકોએ એક થઈને બજારો બંધ રાખવાનું નક્કી કર્યું હતું. વેપારીઓ, સરપંચ અને સભ્યોએ બેઠક કરી સોમવાર અને મંગળવારના રોજ સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત કરતાં 12 એપ્રિલે બજારો સંપૂર્ણ બંધ રહ્યા હતા.