સુરતઃ મહાનગરપાલિકાના મુખ્યાલય ખાતે મંગળવારના રોજ રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ ખાનગી હોસ્પિટલના ડોક્ટરો તથા સરકારી હોસ્પિટલના ડોક્ટર સહિત મનપાના આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. દસ દિવસમાં ફરી બીજી વખત જ્યંતી રવિ સુરતની મુલાકાત કરી તમામ બાબતની સમીક્ષા બેઠક યોજી હતી.
તેઓએ જણાવ્યું કે નવી સિવિલ હોસ્પિટલમાં જે કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. તેની ઉપરના માળે પણ કોવિડ હોસ્પિટલ બનાવવા અંગેની ચર્ચા હાથ ધરવામાં આવી છે. પ્રાઇવેટ હોસ્પિટલ જે રીતે દર્દીઓ પાસે ઉઘાડી લૂંટ કરી રહ્યા છે તે અંગે પણ ફરિયાદ કરતા તેઓએ જણાવ્યું હતું કે કોરોના રિપોર્ટ કરાવવા માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાત નથી.
સિવિલ હોસ્પિટલ અંગે વારંવાર થયેલી ફરિયાદ અંગે તેઓએ જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટનાક્રમ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી છે અને જે પણ સમસ્યા ઊભી થઈ છે તે દુર કરવામાં આવશે. આ ઉપરાંત કોરોના દર્દીના મોત બાદ બારોબાર અંતિમ સંસ્કારની ઘટનામાં પણ તપાસના આદેશ આપી દીધા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત 100 વેન્ટિલેટર પણ રાજ્યસરકાર સુરતને આપશે.