સુરત: કોરોના સંક્રમણના વધી રહેલા કેસોને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટેના તમામ સાધન-સરંજામ પુરા પાડવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિના માર્ગદર્શન હેઠળ નવી સિવિલ હોસ્પિટલ ખાતે 13000 કિલો લિટરની અત્યાધુનિક ઓકિસજન ટેન્કનું ઈન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું.
ઓક્સિજન ટેન્ક થકી દર્દીઓને વધુ પુરતા પ્રમાણ ઓક્સિજનનો પુરવઠો નિયમિત મળતો રહેશે. વડોદરા સ્થિત આઈનોકસ એર પ્રોડકટસ પ્રા.લિ. કંપની દ્વારા નિર્મિત આ ઓકિસજન ટેન્ક નર્સિંગ કોલેજની પાછળ સ્થાપિત કરવામાં આવી હતી. આ ટેન્ક દ્વારા વિના વિક્ષેપે ઓકિસજનનો ફલો સતત અને પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે છે.
આ ટેન્કમાં રહેલો ઓક્સિજન રિઝર્વ લેવલ પર પહોંચે ત્યારે ટેન્કની ડિઝિટલ સિસ્ટમ દ્વારા કંપનીને મેસેજ પહોંચી જાય છે. જેનાથી કંપની દ્વારા રીફીલીગની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવે છે. આ ટેન્કની કામગીરી આગામી બેથી ત્રણ દિવસમાં કાર્યરત થઈ જશે. આ વેળાએ કોવિડ-19 માટેના ખાસ ફરજ પર અધિકારી મહેન્દ્ર પટેલ, ડો.નિમેશ વર્મા, સુપ્રિ. એન્જિનીયર સી.પી.પટેલ, પી.આઈ.યુના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.