સુરતમાં TRB જવાનોએ જાહેરમાં કાપી કેક
- જવાનોએ પોલીસ કમીશ્નરના જાહેરનામાંનો કર્યો ભંગ
- એપેડેમીક ડીસીઝ એકટના નિયમનો પણ TRB જવાનોએ કર્યો ભંગ
- 6 થી 7 જેટલા TRB જવાનો જાહેરમાં કેક કાપી રહ્યા હોવાનો વીડિયો વાઇરલ
સુરતઃ જિલ્લાના પુણા ગામ વિસ્તારમાં TRB જવાનો દ્વારા જાહેરમાં કેક કાપી પોલીસ કમિશ્નરના જાહેરનામાંનો ભંગ કર્યો છે. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ માટે પણ આ વીડિયો તપાસનો વિષય બન્યો છે.
એક તરફ કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યાં બીજી તરફ જિલ્લામાં પુણા ગામ વિસ્તારમાં TRB જવાનો દ્વારા જાહેરમાં કેક કાપી સુરત પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પુનાગામ સીતાનગર ઓવરબ્રિજ નીચે 6 થી 7 જેટલા TRB જવાનો દ્વારા જાહેરમાં કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે ઉજવણીમાં મહિલા TRB જવાન પણ શામેલ હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં ટીઆરબીના જવાનો કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરતા જોવા મળ્યા છે. પોલીસ કમિશ્નરનું જાહેરનામું હોવા છતાં જાહેરમાં કેક કટિંગ કરી જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી છે. એટલું જ નહીં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે તેમછતાં એકબીજા પર કેક લગાડી એપેડેમીક ડીસીઝ એકટના નિયમોનો પણ ટીઆરબી જવાનો દ્વારા ભંગ કરાયો છે. જો કે હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા આ બાબતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ માટે તપાસનો વિષય બન્યો છે.