- વેકસિન લીધા બાદ શું શરીરમાં ખરેખર મેગ્નેટ પાવર આવી જાય છે ?
- નાસિક બાદ સુરતમાં કિસ્સો આવ્યો સામે
- વેક્સિન લીધા બાદ સિક્કા શરીર પર ચોંટતા હોવાનો વિડીયો વાયરલ
સુરતઃ નાસિકમાં રહેતા એક 71 વર્ષીય વ્યક્તિને વેક્સિન લીધા બાદ સ્ટીલના વાસણો, ચલણી નાણાં શરીર પર ચોંટી ગયા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા 78 વર્ષીય વત્સલાબેન જગતાપના પુત્રએ સોશિયલ મીડિયાના માધ્યમથી નાસિકના વૃદ્ધ પર વેક્સિન લીધા બાદ સિક્કા શરીર પર ચોંટતા હોવાનો વિડીયો જોયો હતો.
આ પણ વાંચોઃ EXCLUSIVE: વેક્સિનેશન પછી શરીર પર લોખંડ- સ્ટીલ ચોંટવાનો દાવો ફેઇલ, ડૉક્ટર્સે કહ્યું પરસેવાના કારણે ચોંટે છે
સિક્કા ચોંટતા જોઇ પરિવારજનો ચોંકી ઉઠ્યા
આ સિક્કા ચોંટવાનો પ્રયોગ વેક્સિનના બે ડોઝ લીધેલા 78 વર્ષીય વૃદ્ધા પર કરતા શરીર પર સિક્કા મેગ્નેટની જેમ ચોંટી જતા જોઇ પરિવારજનો ચોંકી ગયા હતા.

શરીર પર સિક્કા અને ચમચી મેગ્નેટની જેમ ચીપકવા લાગ્યા હતા
ભારતમાં વેક્સિન આવી ત્યારથી જ વેક્સિનને લઈને વિવાદો અને સવાલો યથાવત જ રહ્યા છે. વેક્સિન જ કોરોનાથી બચવા માટે એકમાત્ર ઉપાય છે. તેને લઈને લોકોમાં અંધશ્રધ્ધા અને મુંઝવણ આજદિન સુધી યથાવત રહી છે, થોડા દિવસ પહેલા નાસિક ખાતે રહેતા 71 વર્ષીય વ્યક્તિને વેક્સિન લીધા બાદ સ્ટીલના વાસણો, ચલણી નાણાં શરીર પર ચોંટી ગયા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો.
સોશિયલ મીડિયામાં નાસિકનો વીડિયો વાયલરલ થયો
જો કે, મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રાલયે આ વાતને સ્પષ્ટપણે નકારી કાઢી છે, તેવામાં સુરતમાં વાયરલ વિડીયો જોઈ પ્રયોગ કરતા વેક્સિન લીધા બાદનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતી 78 વર્ષીય વૃદ્ધાના શરીર પર સિક્કા મેગ્નેટની જેમ ચોંટી રહ્યા છે. આ દશ્યો જોઈ પરિવારજનો સહિતના લોકો ચોંકી ઉઠયા છે.

આ પણ વાંચોઃ Covishield Vaccine લીધા બાદ શરીરમાં આવી ગયો Magnetic Power, વૃદ્ધનો અજીબોગરીબ દાવો
વેક્સિન લીધા બાદ આવી કોઇ અસર નહીં થાય:આરોગ્ય ડે.કમિશનર
સુરતમાં પણ પર્વત પાટિયા ખાતે રહેતી મહિલાને નાસિકની મહિલાની જેમ વેક્સિન લીધા બાદ મેગ્નેટની અસર હોવાની જાણ મનપાના આરોગ્ય ડેપ્યુટી કમિશનર આશિષ નાયકને કરી હતી. આ જાણ કરતા તેઓએ આ વાતથી અજાણ હોવાનું જણાવ્યું હતું. વેક્સિન લીધા બાદ સિક્કા ચોંટવાની વાતને તેમને નકારી હતી.

દરેક વ્યક્તિ કોરોનાની વેક્સિન લેવી જોઈએ
વત્સલા બેનના પુત્ર પૂનમ જગતાપે જણાવ્યું હતું કે, વેક્સિન લીધા બાદ ચુંબકીય શક્તિ આવે આ વાત તો હું પણ નથી માનતો. પરંતુ જે થઈ રહ્યું છે એ સાચું છે, પરંતુ આ બધું વેક્સિનના કારણે થયું હોય એવું નથી. કેમ કે, આ પ્રયોગ મે મારા દસ વર્ષના પુત્ર વેદ પર પણ કર્યો હતો અને તેના શરીર પર પણ ચમચી અને સિક્કાઓ ચોંટવા લાગ્યા હતા. અમારો પુત્ર દસ વર્ષનો છે અને તેને કોઈ પ્રકારની વેક્સિન આપવામાં આવી નથી. જેથી હું નથી માનતો કે, આ બધું કોરોનાની વેક્સિનના લીધે થઇ રહ્યું હશે. મારા માતાએ બન્ને ડોઝ લીધા પછી કોઈપણ પ્રકારની આડઅસર નથી. જેથી દરેક વ્યક્તિ કોરોનાની વેક્સિન લેવી જોઈએ અને આવી કોઇ અફવા પર ધ્યાન આપવું ના જોઈએ.

ચુંબકીય અસર થઈ રહી હોય તો બધામાં થવી જોઈએ
આ સમગ્ર ઘટના અંગે ગુજરાતના પ્રખ્યાત ડર્મેટોલોજિસ્ટ ડો જગદીશ સખીયાએ જણાવ્યું હતું કે, આ ઘટનાના કોઇ પણ વૈજ્ઞાનિક પુરાવાઓ નથી. કારણકે, અમે મેડિકલ ક્ષેત્રમાં વૈજ્ઞાનિક પુરાવામાં માનીએ છે. જો વેક્સિનના કારણે ચુંબકીય અસર થઈ રહી હોય તો બધામાં થવી જોઈએ. જોવા જઈએ તો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આવી જ ઘટના દસ વર્ષ પહેલાં નોંધાઈ ચૂકી છે. વેક્સિનના લીધે આ ઘટના થઈ રહી છે તદ્દન ખોટી છે. લોકોએ આવી અફવાઓ પર ધ્યાન ના આપવું જોઈએ.