- સુરતમાં ચલથાણમાં હોમગાર્ડના જવાનના લગ્નમાં 100થી વધુ વ્યક્તિ આવ્યા
- હોમગાર્ડના જવાને પોતાના લગ્નમાં કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું
- લગ્નપ્રસંગમાં તમામ લોકો ડીજેના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા
- પોલીસે લગ્નપ્રસંગમાં દરોડા પાડી 3 વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો
સુરતઃ ચલથાણમાં હોમગાર્ડે તો જાણે કોરોના તો ક્યાંય છે જ નહીં તેવો માહોલ ઉભો કર્યો હતો. ચલથાણ ખાતે લક્ષ્મીનગરમાં પુત્રના લગ્નપ્રસંગ માટે 100થી વધુ લોકોને એકત્રિત કરી ડી.જે.ના તાલે ગરબા કરવામાં આવ્યા હતા. જોકે, તે જ સમયે કડોદરા પોલીસે સ્થળ પર પહોંચી વરરાજાના પિતા સહિત ત્રણ વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો. તે દરમિયાન જાણવા મળ્યું હતું કે વરરાજા તો પોતે હોમગાર્ડમાં નોકરી કરે છે.
આ પણ વાંચો- રોડ પર થુકનારાઓ પાસેથી યૂપી પોલીસે 47 લાખ વસૂલ્યા
હોમગાર્ડ જવાન હોવાનો રોફ જમાવવા કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું
આ અંગે મળતી માહિતી અનુસાર, પલસાણા તાલુકાના ચલથાણમાં આવેલા લક્ષ્મી નગરમાં રહેતા રમેશ સાહેબરામ પાટીલનો પૂત્ર ઉમેશ પાટીલ કે જે કડોદરા પોલીસમથક વિસ્તારમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે. ઉમેશ પાટીલે રવિવારે પોતાના લગ્નપ્રસંગ નિમિત્તે રાત્રે ડીજેના તાલે ગરબાનું આયોજન કર્યું હતું. પોતે હોમગાર્ડનો જવાન છે તેવો રોફ જમાવવા તેણે દ્વારા કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર ડીજેમાં 100થી વધુ લોકો ભેગા કર્યા હતા અને આ વ્યક્તિઓ ડીજેના તાલે ગરબે ઝૂમી રહ્યા હતા. આ વ્યક્તિઓએ સોશિયલ ડિસ્ટન્સિંગ કે સેનિટાઈઝર કે મોઢે માસ્ક પહેર્યા વગર ઝૂમી રહ્યા હતા. આ અંગે કન્ટ્રોલ રૂમના ફરિયાદ કરવામાં આવી હતી.
આ પણ વાંચો- વિદ્યાનગરના સાથિયા પાર્ટી પ્લોટમાં કોવિડ ગાઇડલાઇનનું ઉલ્લંઘન
પોલીસે છાપો મારતા ડીજેના તાલે નાચી રહેલા લોકોમાં નાસભાગ
આ ઘટના અંગે કડોદરા GIDC પોલીસમથકના પીઆઈ આનંદ બ્રહ્મભટ્ટને જાણ થતાં તેમણે ત્વરિત એક ટીમ સ્થળ ઉપર ટીમ મોકલી હતી. પોલીસ પહોંચતા જ ત્યાં ગરબે ઝૂમી રહેલા લોકો ભાગવા લાગ્યા હતા. પોલીસે લગ્નનું આયોજન કરનાર રમેશ સાહેબરામ પાટીલ તથા મંડપ બનાવનારા પરેશ સુરેશ પાટીલ (રહે. ગાયત્રીનગર, ચલથાણ) તથા ડીજે વગાડનારા શિરીષ સાહેબરામ પાટીલ સામે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. કડોદરા પોલીસે આ અંગે જણાવ્યું હતું કે, અમને કન્ટ્રોલમાંથી ફોન આવતા કાર્યવાહી કરી હતી. હાલ ત્રણ સામે ફરિયાદ નોંધી આગળની તપાસ કરવામાં આવી રહી છે.