- 11 વર્ષની સિદ્ધિ પટેલે એક જ મહિનામાં ત્રણ રેકોર્ડ પ્રાપ્ત કર્યા
- કોવિડ-19ની સ્પર્ધામાં સિદ્ધિ પટેલ સમગ્ર ગુજરાતમાં પ્રથમ
- બુર્ઝ ખલીફા જેવો ટાવર બનાવી બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું
સુરત: શહેરના અડાજણ પાલ રોડ ખાતે શિલાલેખ એપાર્ટમેન્ટમાં રહેતા ડૉ. અમિષા પટેલની એકની એક 11 વર્ષની દીકરી સિદ્ધિ પટેલે એક જ મહિનામાં ત્રણ રેકોર્ડ પ્રાપ્ત કરી વિદ્યાર્થીઓ માટે એક ઉદાહરણ પુરુ પાડ્યું છે. સિદ્ધિના પિતા કાર ગેરેજ વર્ક શોપ ચલાવે છે, અને તેમની માતા સિદ્ધિને કંઈકને કંઈક નવું કરવાની પ્રેરણા સાથે સફળ પણ કરતા આવી રહ્યા છેે. ગુજરાત સરકાર દ્વારા કોવિડ-19ની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં રોગ પ્રતિકારક શક્તિ કેવી રીતે વધારી શકાય છેે, તે વિષય પર હતી. આ સ્પર્ધામાં ઇનોવેટિવ વીડિયો બે મિનિટમાં બનાવવાના હતા. સિદ્ધિ પટેલે ‘ઘરમાં રહો સુરક્ષિત રહો' જેવા વિડીયો બનાવ્યા હતા. સિદ્ધિ પટેલ દ્વારા બનાવવામાં આવેલા વિડીયોને સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર આપવામાં આવ્યો હતો.
6 ફૂટ ઊંચું પિરામિડ બનાવી પ્રથમ રેકોર્ડ બનાવ્યો
સિદ્ધિ પટેલે 27 ઓગસ્ટ 2020ના રોજ 210 પ્લાસ્ટિકના ગ્લાસના ઉપયોગથી 6 ફૂટ ઊંચું પિરામિડ બનાવી પ્રથમ રેકોર્ડ બનાવ્યો હતો. જેમાં મોટિવેશન મળ્યા બાદ ઉત્સુકતા જાગી હતી ત્યારે બાદ 6 ઓક્ટોબર 2020માં 623 જેનગા બ્લોકના ઉપયોગથી 7 ફૂટનો બુઝ ખલીફા જેવો ટાવર બનાવ્યો હતો. સિદ્ધિને એશિયા બુક ઓફ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. ઇન્ડિયા બુકમાં પણ આ રેકોર્ડનો સમાવેશ થયો છે. સિદ્ધિએ મહેનત અને માતા-પિતાના સહયોગથી એક જ મહિનામાં 3 રેકોર્ડ પ્રાપ્ત કર્યા છેે.
આદિવાસી વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવવા 21 હજાર ડોનેટ કર્યા
સિદ્ધિ પટેલ સામાજિક પ્રવૃત્તિમાં પણ આગળ છેે. માત્ર 9 વર્ષની ઉંમરે આર્ટ એન્ડ ક્રિએશન નામની કંપની બનાવી હતી. સિદ્ધિ ક્રિએટિવ આર્ટ પીસ બનાવી એક્ઝિબિશન કરે છે. આ એક્ઝિબિશનમાંથી મળી આવેલા 21 હજાર રૂપિયાની આવક આદિવાસી વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવવા કર્યા હતા. સિદ્ધિ પટેલે ત્રણ એવોર્ડ પ્રાપ્ત કર્યા બાદ ઓલમ્પિક મેડલ હાંસલ કરવા શૂટિંગ પર મહેનત કરી રહી છે. દિવસમાં રોજ 4-5 કલાક પિસ્તોલથી પ્રેકટીસ કરે છેે.