- રસ્તા પર 4 થી 5 ફૂટ પાણી ભરાયા
- ડ્રેનેજની કામગીરીને કારણે સર્જાય સ્થિતિ
- બે કલાકમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો
બારડોલી: બારડોલી શહેરમાં તૌકતે વાવાઝોડાની અસરને લઈ ધીમેથી શરૂ થયેલા વરસાદે મંગળવારે બપોર બાદ ધોધમાર વરસવાની શરૂઆત કરી હતી. માત્ર બે કલાકમાં બપોરે 2થી 4 વાગ્યા દરમ્યાન જ અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. જેને કારણે આશાપુરા મંદિર નજીકથી પસાર થતી ખાડીમાં જોતજોતામાં પાણીનું સ્તર વધ્યું હતું.
ઘરો અને દુકાનોમાં પાણી ભરાયા
આ ખાડી પર બોક્સ ડ્રેનેજની કામગીરી ચાલી રહી હોય નીચાણવાળા વિસ્તારોમાં પાણીના નિકાલની સમસ્યા સર્જાય હતી. જેને કારણે શહેરના શામરીયા મોરા વિસ્તાર તેમજ આશાપુરા મંદિર વિસ્તારમાં રસ્તા પર કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા. કેટલાક ઘરોમાં પણ પાણી ઘુસી જતા લોકોની હાલાકી વધી ગઈ હતી. લોકોએ બોક્સ ડ્રેનેજની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો.
આ પણ વાંચો: બનાસકાંઠાથી ગ્રાઉન્ડ રિપોર્ટ : ભારે પવન સાથે વરસાદ શરૂ
રહીશોએ પાલિકાને ડિઝાઇન અંગે અગાઉ રજુઆત કરી હતી
આ કામગીરીની ડિઝાઇનમાં ભૂલ હોવાની રાવ શામરીયા મોરા વિસ્તારમાં રહેતા લોકો અગાઉ પણ કરી ચૂક્યા છે. ત્યારે સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા આગામી ચોમાસામાં સ્થિતિ વધુ વિકટ બને તેવી ભીતિ વિસ્તારના લોકોમાં સેવાઇ રહી છે.
આ પણ વાંચો: NDRFની 100 ટીમ ફિલ્ડમાં, 1 લાખથી વધુ વૃક્ષ ધરાશાયી થવાની શક્યતા, ખેતીને પણ નુકશાન
પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી
બીજી તરફ કારોબારી ચેરમેન નીતિન શાહે જણાવ્યું હતું કે, હાલ બોક્સ ડ્રેનેજની કામગીરી ચાલુ છે. અચાનક વરસેલા વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. પાલિકાની ટીમે તાત્કાલિક પહોંચી પાણીના નિકાલની વ્યવસ્થા કરી છે. ચોમાસામાં આવી સ્થિતિ ન થાય તે માટે પ્રિમોન્સૂન કામગીરીમાં આ કામને પ્રાધાન્ય આપવામાં આવશે.