- સોમવારે ફૂટપાથ પર સૂતેલા મજૂરો પર ડમ્પર ફરી વળ્યું હતું
- આ અકસ્માતમાં 15 મજૂરોએ જીવ ગુમાવ્યો
- અકસ્માત બાદ પોલીસે રોડ કિનારે રહેતા લોકોને ખસેડવાનું શરૂ કર્યું
સુરત : જિલ્લાના કીમ ચાર રસ્તા નજીક પાલોદ ગામની સીમમાં સોમવારે મધરાતે ડમ્પરે ફૂટપાથ પર સૂતેલા 15 મજૂરોને કચડી મોતને ઘાટ ઉતાર્યા હતા.સમગ્ર ઘટનાને લઈ જિલ્લા પોલીસ હરકતમાં આવી છે. પોલીસે વિસ્તારમાં રોડની આજુબાજુમાં રહેતામજૂરોને ખસેડતા મજૂરોની હાલત કફોડી થઈ છે.
દોઢ ફૂટ ઊંચા ફૂટપાથ પર ડમ્પર ચઢાવ્યું
સોમવારે મધ્યરાત્રિ બાદ કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કીમ ચાર રસ્તા પાસે પાલોદ ગામની સીમમાં પૂરઝડપે આવતા એક ડમ્પરના ચાલકે સામેથી આવી રહેલા શેરડી ભરેલા ટેન્કરને ટક્કર માર્યા બાદ બેકાબૂ બનેલું ડમ્પર દોઢ ફૂટ ઊંચા ફૂટપાથ પર ચઢી ગયું હતું. જેમાં ફૂટપાથ પર સૂતેલા 15 મજૂરોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
મજૂરોની સ્થિતિ દયનીય
સુરત જિલ્લામાં સેલ્ટર હોમ કે રેન બસેરાની કોઈ સગવડ ન હોવાથી બહારગામથી મજૂરી માટે આવતા લાખો મજૂરોએ આખો દિવસની મજૂરી બાદ ફૂટપાથ પર સુવા મજબૂર બનવું પડે છે. આ દુર્ઘટના બાદ પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. ફૂટપાથ પર સૂતા અને આસપાસ રહેતા લોકોને જગ્યા ખાલી કરાવવાનું શરૂ કર્યું છે. પોલીસની આ કાર્યવાહીને કારણે મજૂરોની સ્થિતિ ન ઘરના ન ઘાટના જેવી થઈ છે.
રોટલો તો મળશે પણ ઓટલો નહીં મળતા મજૂરોમાં ચિંતા
કડકડતી ઠંડીમાં મજૂરો ખુલ્લા આકાશ નીચે સૂઈ રહેતા હતા. તેમને હવે પોલીસ કાર્યવાહીને કારણે ખુલ્લુ આકાશ પણ નસીબ નહીં થાય. આટલો મોટો અકસ્માત છતાં પોતાને સંવેદનશીલ ગણાવતી ગુજરાત સરકાર દ્વારા મજૂરોને માટે હંગામી સુવિધા પણ ઊભી કરવામાં આવી નથી. ત્યારે રોટલો તો મળી રહેશે પણ ઓટલો નહીં મળે તેની ચિંતામાં મજૂરોની હાલત દયનીય થઈ છે.
આ પણ વાંચો :