સુરત: સુરત અને રાજ્ય માટે ગૌરવ સમાન સુરતનું CCIC મોડેલ હવે કોરોના નિયંત્રણ માટે દેશનું રાષ્ટ્રીય મોડેલ બન્યું છે. સુરતનું મોડેલ હવે દેશભરમાં ઝળક્યું છે. સુરતમાં આ કમ્યુનિટી કેર સેન્ટરની સંખ્યા 17 પર પહોંચી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના પાટીદાર સમાજ, મુસ્લિમ સમાજ, વ્હોરા સમાજ, વાટલીયા પ્રજાપતિ સમાજ, આહિર સમાજ, વ્હોરા સમાજ, જૈન સમાજ, વૈષ્ણવ તેમજ રાણા સમાજ, દ્વારા પોતાના સમાજના લોકો માટે કોરોના કોમ્યુનિટી કેર સેન્ટર ઊભા કરવામાં આવ્યાં છે.
આ સુવિધામાં દરેક દર્દીઓને નિઃશૂલ્ક બેડ, દવાઓ, પૌષ્ટિક ભોજન, નાસ્તો, પાણી અને ડૉક્ટરની સુવિધાઓ સાથે એમ્બ્યુલન્સની સુવિધાઓ કરવામાં આવી છે. મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા 124 અને કોશિશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ 60 બેડના કોવિડ કેર સેન્ટર તૈયાર છે.
આ અંગે સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, સુરતમાં કમ્યુનિટી કેર સેન્ટરની સંખ્યા 17 પર પહોંચી છે. 4 કમ્યુનિટી કેર સેન્ટરમાં ઓક્સિજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તમામમાં કોવિડ કમ્યુનિટી કેર સેન્ટરમાં કુલ 1100 બેડની સુવિધા છે. જેમાં હાલ 600 દર્દીઓ સારવાર પણ મેળવી રહ્યાં છે.