- કોરોનાકાળમાં હીરા અને જ્વેલરી ઉદ્યોગ પર માઠી અસર
- ગુજરાતમાં પ્રથમવાર જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ દ્વારા વર્ચુઅલ ડાયમંડ જ્વેલરી એક્ઝિબિશન
- એક્ઝિબિશનમાં વિદેશથી પણ મોટી કંપનીઓ જોડાશે
- 10 જેટલા ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું
- પચાસ હજારના ખર્ચે આ વર્ચ્યુઅલ એક્ઝિબિશનમાં મેન્યુફેક્ચરર ભાગ લઈ શકાશે
સુરત: કોરોનાકાળમાં હીરા અને જ્વેલરી ઉદ્યોગ પર માઠી અસર પડી છે. દર વર્ષે ઉદ્યોગમાં વેપાર વધારવા માટે એક્ઝિબિશન કરવામાં આવતું હતું, પરંતુ કોરોનાના કારણે એક્ઝિબિશન શક્ય નથી, ત્યારે ગુજરાતમાં પ્રથમવાર જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ દ્વારા વર્ચુઅલ ડાયમંડ જ્વેલરી એક્ઝિબિશન કરવામાં આવનાર છે.
આ બાયર ટુ બાયર એક્ઝિબિશનમાં વિદેશથી પણ મોટી કંપનીઓ જોડાનાર છે. જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વેસ્ટ ઝોન દ્વારા તારીખ 27 અને 28મી ઓગસ્ટના રોજ ગુજરાતનો પ્રથમ વર્લ્ડ વર્ચ્યુઅલ ડાયમંડ જ્વેલરી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવશે. બાયર ટુ બાયર એક્ઝિબિશનમાં એક જ દિવસમાં 10 જેટલા બાયરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
હાલ પ્રથમ વર્ચ્યુઅલ એક્ઝિબિશનમાં 10 જેટલા ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરોએ રજિસ્ટ્રેશન પણ કરાવી દીધું છે. પ્રથમ ડાયમંડ જ્વેલરી એક્ઝિબિશન માત્ર 10 મેન્યુફેક્ચરર દ્વારા શરૂ કરવામાં આવશે. આ વર્ચ્યુઅલ એક્ઝિબિશનની ખાસિયત છે કે, આમાં વિશ્વભરની કંપનીઓ પણ ભાગ લેશે.
આ વર્ચ્યુઅલ એક્ઝિબિશન અંગે જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના વેસ્ટ ઝોનના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, આ એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે દોઢ લાખનો ખર્ચ આવતો હોય છે, પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મેન્યુફેક્ચરોને ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું છે. માત્ર પચાસ હજારના ખર્ચે આ વર્ચ્યુઅલ એક્ઝિબિશનમાં મેન્યુફેક્ચરર ભાગ લઈ શકે છે. ગુજરાતના આ પ્રથમ વર્ચુઅલ એક્ઝિબિશનથી વેપાર સારો થઈ શકશે અને જે કંપની કાઉન્સિલમાં રેપો ધરાવતી કંપનીઓ છે તે જ ભાગ લઇ રહી છે.