સુરતઃ લોકડાઉનમાં કામકાજ બંધ રહેતા પરપ્રાંતીય કામદારો વતન જઈ રહ્યા છે તેમાં ઘણા કામદારોને વતન જવા નહીં મળતા તેમની ધીરજ ખૂટી રહી છે અને તેઓ હોબાળો પણ મચાવી રહ્યા છે. ત્યારે શહેરના અમરોલી વિસ્તારની અંજની ઈન્ડસ્ટ્રીમાં બે દિવસ પહેલ હોબાળો મચ્યો હતો અને પોલીસ સાથે સંઘર્ષ થયું હતું. પોલીસે અટકાયત કરેલા ઓડિસાના એક વ્યક્તિનું મોત થતા પરિવારજનોએ પોલીસે ઢોર માર માર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો.
અમરોલીના અંજની ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં રહેતા ઓડિસાવાસી કામદારો કામકાજ બંધ હોય વતનમાં જવા માટે માગ કરી રહ્યા છે. ત્યારે જે લોકો વતન જવા ઈચ્છતા હોય તેમણે સમાજના આગેવાનો તેમજ પોલીસ સ્ટેશનમાં નામ નોંધાવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. બે દિવસ પહેલા ઓડિસાવાસી કામદારો પોતાના વતન જવાની માગ સાથે રોડ પર ઉતર્યા હતા એટલું જ નહીં તેમને સેવાકીય સંસ્થા દ્વારા અપાતા ભોજનનો પણ બહિષ્કાર કર્યો હતો અને વતન મોકલો તેવી માંગ કરી હતી, દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ પણ સર્જાયું હતું આ દરમિયાન અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિભાગ એકના પ્લોટ 158-160 પર સ્થિત ગોપીનાથ ટેક્સટાઇલના પ્રાંગણમાં રહેતા 40 વર્ષીય સત્ય સ્વાઇ નામના યુવાનની અટકાયત કરવામાં આવી હતી, જો કે ત્યારબાદ પોલીસ દ્વારા તેને છોડી મૂકવામાં પણ આવ્યા હતા. પરંતુ અચાનક જ સત્યની તબિયત બગડી હતી અને બાદમાં તેને સ્મીમેર હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. સત્ય ઓડિસાના ગંજમ જિલ્લાના ભંજન નગરના બારૂદ ગામનો વતની હતો અને ગોપીનાથ ટેક્સટાઇલમાં કામ કરતો હતો. પરિવારે આરોપ લગાવ્યો છે કે પોલીસ દ્વારા સત્ય જ્યાં રહેતો હતો તે ગોપીનાથ ટેકસટાઇલના સીસીટીવી પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. ભીડમાં તે શામીલ નહોતો. તેમ છતાં મકાનનું તાળું તોડી પોલીસ તેને લઈ ગઈ હતી, અને તેને ઢોરમાર મારવામાં આવ્યા હતો, ત્યારબાદ પોલીસે તેને છોડી દીધો હતો. ઘરે આવ્યા બાદ તેની તબિયત કફોડી બની અને તેનુ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના અંગે સુરત પોલીસ કમિશ્નર આર બી બ્રહ્મભટ્ટે ટેલિફોનિક વાત કરી હતી અને જણાવ્યું હતું કે પોલીસ સાથેનું ઘર્ષણ સાંજે છ વાગ્યે થયું હતું. મૃતકના રૂમ પાર્ટનરે જણાવ્યા મુજબ સત્ય દોડતો દોડતો રૂમ પર આવ્યો હતો અને વધુ પ્રમાણમાં પાણી પીધું હતું, તેમજ રાત્રિના 10:30 તેને ચક્કર આવતા તેને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ની સ્મીમેર હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં તેને તબીબે મૃત જાહેર કર્યો હતો.