- ETV Bharat Impact: કોરોના વોરિયર્સના પરિવારને સહાય વીમાને મંજૂરી
- વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન રૂપાણીને કરી હતી રજૂઆત
- કામદાર સ્ટાફ મંડળના પ્રમુખે ETV Bharatનો આભાર માન્યો
સુરતઃ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર કોરોના સંક્રમણની ઘાતક લહેર 1 અને 2માં સતત સેવા આપી રહેલા સુરત મહાનગરપાલિકાના અનેક કર્મચારીઓ અને અધિકારીઓ પૈકી 44 કર્મચારીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. પરંતુ આઠ મહિના વીતી ગયા છતાં 44 મૃતક કોરોના વોરિયર્સના પરિવારને કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારીત 50 લાખ રૂપિયાની વીમાની રકમ અને રાજ્ય સરકાર દ્વારા 25 લાખ આર્થિક સહાયતા મળી નહોતી. જેના કારણે સુરતના નવ જેટલા યુનિયન મેદાને ઉતર્યા હતા.
વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન રૂપાણીને કરી હતી રજૂઆત
સુરત મહાનગરપાલિકા અને કલેકટર કચેરીના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રજૂઆત કરી હતી. પરંતુ આઠ મહિના વીતી ગયા છતાં 44 કોરોના વોરિયર્સના પરિવારને કોઇ આર્થિક સહાય મળી નહોતી. નવ જેટલા યુનિયનના પ્રમુખ અને તેમના સભ્યો સતત પ્રયાસો કરી રહ્યા હતા. આ વચ્ચે ETV Bharatના અહેવાલમાં કોરોના વોરિયર્સના પરિવારની સ્થિતિ અને તેમની વેદના વ્યક્ત કરવામાં આવી હતી. ETV Bharatના આ અહેવાલના થોડા દિવસ બાદ આખરે સરકારે આ 44 પૈકી 10 જેટલા કોરોના વોરિયર્સના પરિવારને સહાય મંજૂર કરી છે.
આ પણ વાંચોઃ કોરોના વોરિયર્સના પરિવારને આઠ મહિના વીતી ગયા છતાં સરકાર દ્વારા કોઈ સહાય નથી મળી
કામદાર સ્ટાફ મંડળના પ્રમુખે ETV Bharatનો આભાર માન્યો
શહેરના સુધરાઈ કામદાર સ્ટાફ મંડળના પ્રમુખ મોહમ્મદ ઇકબાલ શેખે જણાવ્યું હતું કે, સુરતના 44 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ કોરોના કાળમાં મૃત્યુ પામ્યા છે. તમામના પરિવારને આર્થિક સહાય મળી રહે આ માટે નવ યુનિયન સંયુક્ત પ્રયાસ કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વોરિયર્સના પરિવાર માટે 50 લાખ રુપિયાના વીમાની સહાય આપવાની જાહેરાત કરી હતી.જ્યારે રાજ્ય સરકાર દ્વારા 25 લાખ રુપિયાની આર્થિક સહાયની જાહેરાત કરાઈ હતી. પરંતુ 8 મહિના સુધી સહાય ન મળતા અમારા 9 યુનિયન સતત પ્રયાસ કરી રહ્યા હતા. ETV Bharatના માધ્યમથી પણ અમારી રજૂઆત થઈ હતી. ETV Bharatની રજૂઆતના પગલે જ અમારા 6 જેટલા કર્મચારીઓના પરીવારને 50 લાખની વીમા રાશી મળી ચૂકી છે. જ્યારે 4 જેટલા કર્મચારીઓના પરિવારને 25 લાખની સહાય મંજૂર થઈ છે. આ રજૂઆતો દ્વારા કર્મચારીઓના પરિવારને વીમાની રકમ મંજૂર કરવામાં આવી છે. આ માટે અમે ETV Bharat નો આભાર વ્યક્ત કરીએ છે.
અન્ય કર્મચારીઓને સહાય ચૂકવવા અપીલ
કામદાર સ્ટાફના પ્રમુખે ETV Bharatને આભાર માન્યા બાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને પાસે બાકીના કર્મચારીઓની સહાય બાકી છે તે પણ તાકીદે ચૂકવવામાં આવે તેવી અપીલ કરી હતી.
આ પણ વાંચોઃ ETV BHARAT IMPACT: લાખો લિટર પાણી રોડ પર વહી જવાના રીપોર્ટથી તંત્ર હરકતમાં