- ઓડિટ ગૃપ સુરતે નેશનલ ઇલેકશન વોચના સહયોગથી ઉમેદવારોની વિગતો જાહેર કરી
- 484 ઉમેદવારો પૈકી 43 ઉમેદવારો સામે વિવિધ પ્રકારના ગુનાઓ નોંધાયા
- 25થી 50 વચ્ચે ફુલ 359 ઉમેદવારો
સુરત : ઉમેદવારી ફોર્મ ભર્યા ત્યારથી દરેક પક્ષો પોતપોતાના ઉમેદવારોનો જોરશોરથી પ્રચાર કરે છે, તેમજ દરેક ઉમેદવાર જીતી જવાનો વિશ્વાસ પણ વ્યક્ત કરે છે. જો કે, આગામી 5 વર્ષ માટે મહાનગરપાલિકાનું સત્તાનું સુકાન કોણે અપાશે એ તો મતદારો જ નક્કી કરશે, ત્યારે જનતાની સેવા કરવા ઉમેદવારી કરી છે તે ઉમેદવારો અંગે વિગતો જાણવી મતદાતા માટે જરૂરી છે. ઓડિટ ગૃપ સુરત દ્વારા નેશનલ ઇલેકશન વોચના સહયોગથી શુ્ક્રવારે મહાનગરપાલિકાના ઉમેદવારોની વિગતો જાહેર કરવામાં આવી હતી.
43 ઉમેદવારો પર સામે ગુનાઓ નોંધાયા છે
ઓડિટ ગૃપના અજય જાગીડ અને કૃષ્ણ ચૌહાણના જણાવ્યા અનુસાર ચૂંટણીમાં ઉમેદવારી કરનારા ઓ પૈકી 10 ટકા ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. કુલ 484 ઉમેદવારો પૈકી 43 ઉમેદવારો સામે વિવિધ પ્રકારના ગુનાઓ નોંધાયા છે. જેમાં સ્ત્રી સામે તો ગંભીર પ્રકારના કેસો છે. વિગતવાર જોઈએ તો ભાજપના 7 કોંગ્રેસના 18 અને આપના 8 ઉમેદવારો સામે વિવિધ ગુનાઓ નોંધાયેલા છે.
15 ઉમેદવારોએ પોતાના અભ્યાસ અંગે કોઇ પ્રકારની વિગત આપી નથી
સુરત મહાનગરપાલિકાની યોજાઇ રહેલી ચૂંટણીમાં 30 વૉર્ડની 120 બેઠક માટે ભાજપ, કોંગ્રેસ, આપ, NCP જેવા પક્ષો અને અપક્ષો મળીને કુલ 484 ઉમેદવારો મેદાનમાં છે. ઉમેદવારી પત્ર ભરતી વખતે ઉમેદવારે રજૂ કરેલ એફિડેવિટનો અભ્યાસ કરતા જાણવા મળતી વિગતો અનુસાર શિક્ષણની દ્રષ્ટિએ જોઈએ તો 103 ઉમેદવારો ગ્રેજ્યુએટ છે. 8 ઉમેદવારો ડીપ્લોમાં ડીગ્રી ધરાવે છે, જ્યારે 307 ઉમેદવારો પ્રાથમિક કે માધ્યમિક કક્ષા સુધીનો અભ્યાસ ધરાવે છે. 5 ઉમેદવારોએ અશિક્ષિત હોવાનું એફિડેવિટમાં જણાવ્યું છે. જ્યારે 15 ઉમેદવારોએ પોતાના અભ્યાસ અંગે કોઇ પ્રકારની વિગત આપી નથી. શિક્ષણની સાથે વયજૂથ અંગેની વિગતો જોઈએ તો 21થી 24મી વયજૂથમાં ફક્ત 12 ઉમેદવારો છે. જ્યારે 25થી 50 વચ્ચે ફુલ 359 ઉમેદવારો છે. 81 ઉમેદવારો 51થી 70ની વય જૂથના છે.