- 13 વર્ષની અન્વીને ડાઉન સિન્ડ્રોમનો રોગ હોવા છતા યોગમાં ગોલ્ડ મેડલ જીત્યો
- ત્રણ વર્ષથી યોગા શીખી રહેલી અન્વી નેશનલ લેવલે 2 ગોલ્ડ મેડલ જીત્યા
- આજે તે 80થી 100 જેટલા આસનો સરળતાથી કરી શકે છે
સુરતઃ મુશ્કેલીઓ સફળતાના અનેક દરવાજા ખોલી દે છે અને આવું જ થયું છે સુરતની 13 વર્ષની અન્વી જાંજરૂકિયા જોડે. વર્ષ 2008માં પ્રથમ બાળક આવતા જાંજરૂકિયા પરિવારમાં ખુશીનો માહોલ હતો. પરંતુ જન્મના ૨ દિવસમાં બાળકી બિમાર થતા તેને હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પરિવાર ચિંતામાં હતો અને પરિવારના પગ નીચેથી જમીન ત્યારે સરકી જ્યારે ડોકટરોએ ડાઉન સિન્ડ્રોમનું કહ્યું. પરિવાર બિમારી વિશે જાણતા ન હતા. જેથી ઈન્ટરનેટ પર સર્ચ કર્યું અને જાણવા મળ્યું કે સ્લો લર્નર પ્રમાણેની બિમારી છે અને ધ્યાન આપ્યા બાદ અન્વી નોર્મલ બની શકે છે. જેથી પરિવારે સંઘર્ષ ચાલુ કર્યો અને જે રોગની કોઈ દવા નથી તેમાં યોગાએ કરામત કરી છે.
શારીરિક રીતે અશક્ત હોવા છતાં તે સરળતાથી આસાનો કરી શકે છે
75 ટકા આંતરડું ડેમેજ હોવાને કારણે પહેલા સ્ટુલ પાસ કરવા 30 ML દવાની જરૂર હતી. પરંતુ યોગને કારણે અત્યારે 1 ML દવાની જ જરૂર પડે છે. શારીરિક રીતે અશક્ત હોવા છતાં યોગાને કારણે આજે તે 80 થી 100 જેટલા આસાનો સરળતાથી કરી શકે છે. યોગા ટીચર નમ્રતાબેનની ધીરજ અને મહેનતને કારણે ત્રણ વર્ષથી યોગા શીખી રહેલી અન્વી નેશનલ લેવલે 2 ગોલ્ડ મેડલ જીતી ચુકી છે.
બ્રેક લીધા વગર 30થી 40 આસન કરે છે
અન્વી જ્યારે 6 મહિનાની હતી, ત્યારે એના હૃદયમાં કાણું હતું. જેને કારણે અમદાવાદમાં તેની સર્જરી કરાવાઈ હતી અને સર્જરી 8 કલાક ચાલી હતી. આ સમયે ડોક્ટરે પાંચ વર્ષ પછી વાલ બદલવાનું કહ્યું હતું. જો કે, કુદરતની દયાથી આજે 13 વર્ષે પણ તેને વાલની સમસ્યા નથી નડી. યોગા ટીચર નમ્રતા વર્માએ કહ્યું કે, અન્વી ૩ વર્ષથી મારી પાસે યોગા શીખે છે. શરૂઆતમાં તેનો શરીરનો સ્પોર્ટ બિલકુલ ન હતો. અમુક આસનો બોડીના અને સ્ટેબિલિટીને કારણે કરી શકતી ન હતી. પરંતુ ધીરે ધીરે તે આસનો કરતી ગઈ અને આજે 80 થી 100 જેટલા આસનો સારી રીતે કરે છે. 30થી 40 આસન બ્રેક વગર કરી શકે છે. નેશનલ લેવલે 2 ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે.
ડિસેબલ બાળકો માટેના એવોર્ડ માટે તેનું નોમિનેશન
પિતા વિજયભાઈએ કહ્યું કે, અમે અન્વીને સ્વતંત્ર બનાવવાનું નક્કી કર્યું. તે અત્યારે નોર્મલ શાળામાં જ ભણે પણ છે. તેની પાછળ સૌથી વધુ મહેનત તેના યોગા ટીચર નમ્રતાબેને કરી છે. જેને લીધે આજે તે આ મુકામ પર પહોંચી છે. અન્વી તેના દરેક કામ જાતે જ કરે છે. તે અમારા પર આધાર રાખતી નથી, તે અમારા માટે ખુશીની વાત છે. આ વર્ષે ડિસેબલ બાળકો માટેના એવોર્ડ માટે તેનું નોમિનેશન કરાયું છે.