સુરત: કોરોના પોઝિટિવ દર્દીને 10થી 14 દિવસ માટે આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવે છે. આ 14 દિવસ લોકોને વનવાસ જેવા લાગે છે. એક તરફ પોતાને થયેલી બીમારી અને બીજી તરફ પરિવારની ચિંતા કોરોનાના દર્દી ને કોરી ખાઇ છે, ત્યારે દર્દીની માનસિક સ્થિતિને ધ્યાને રાખી સુરતના અલ્થાન વિસ્તારમાં આવેલ કોમ્યુનિટી હોલમાં જે કોવિડ કેર સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં દર્દીઓને કંટાળો નહીં આવે અને મનોરંજન મળી રહે તે માટે 8 બેડ વચ્ચે એક ટીવી રાખવામાં આવેલ છે.
માત્ર 100 કલાકમાં મેડ ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ હેઠળ ઇકો ફ્રેન્ડલી કાર્બોડના 182 બેડ સાથેનું કોવિડ કેર સેન્ટર તૈયાર છે. આ ખાસ કોવિડ કેર સેન્ટર સુરતના મજૂરા મત વિસ્તારના ધારાસભ્ય હર્ષ સંઘવી અને મજુરા મિત્ર મંડળ દ્વારા માત્ર 100 કલાકમાં તૈયાર કરવામાં આવ્યું છે.
- અન્ય સુવિધાઓ...
ઓક્સિજનની સુવિધા સાથે અદ્યતન 182 પૂંઠાના બેડ
દર્દીઓને કંટાળો ન આવે એટલે મનોરંજન માટે ટીવીની વ્યવસ્થા
ગરમ પાણી પીવા માટે દરેક બેડ પર ઈલેક્ટ્રીક કિટલી અને બાફ લેવાનું મશીન
નર્સ કે ડોક્ટરને બોલાવવા માટે દરેક બેડ પર ડિજિટલ બેલ
કોરોનાનો દર્દી પરિવાર સાથે વાત કરી શકે તે માટે 18 વોકી-ટોકી
દરેક દર્દીના બેડ પર અલગ-અલગ પંખા
ડૉક્ટર અને નર્સ માટે એર કન્ડીશનર રૂમ
40થી વધુ શૌચાલય, 4 હીંચકા મુકાયા.
આ ખાસ કોવિડ કવર સેન્ટર જોવા પહોંચેલા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, અલથાણ ખાતે તૈયાર થયેલા કોવિડ કેર સેન્ટરની આ અનોખી પહેલ છે. કોવિડ સેન્ટરને તૈયાર કરનાર મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીને આ હોસ્પિટલનું પેપર વર્ક તૈયાર કરી દેશ અને વિદેશ માટે એક આદર્શ કોવિડ કેર સેન્ટર તરીકે રજૂ કરી શકાય એવું અનુરોધ કર્યો હતો.