- ચારોતરિયા લેઉઆ પાટીદાર સમાજને શરૂ કર્યું કોવિડ કેર સેન્ટર
- કોરોના સંક્રમિત દર્દીઓને આઈસોલેશનમાં રાખવામાં આવશે
- અત્યારે સેન્ટરમાં 28 બેડનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો
બારડોલી (સુરત): પલસાણા તાલુકાના ગંગાધરામાં ચારોતરિયા લેઉઆ પાટીદાર સમાજના યુવકોએ 56 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે. અહીં કોરોના સંક્રમિત દર્દીઓને આઈસોલેશનમાં રાખવામાં આવશે. જોકે, હાલ 28 બેડ કાર્યરત છે. આ સાથે અહીં આગામી દિવસોમાં ઓક્સિજનની સેવા પણ ઉપલબ્ધ કરાવાશે.
NRI સહિત અન્ય સંસ્થાઓએ આપ્યો સહયોગ
આ કોવિડ સેન્ટર શરૂ કરવા માટે NRI તરફથી આર્થિક સહાય કરવામાં આવી છે. આ ઉપરાંત જોળવા ખાતે આવેલી સાહિબા મિલ તરફથી પણ આર્થિક સહાય મળી રહીછે. ગંગાધારા સ્કૂલ તરફથી દર્દીઓ માટે બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ જામનગર: જાંબુડા CHC હોસ્પિટલમાં 10 બેડનું કોવિડ સેન્ટર શરૂ કરાયું
તમામ સમાજના દર્દીઓને નિઃશુલ્ક સેવા
સુરત જિલ્લામાં કોઈ પણ સમાજના કોઈ પણ સંક્રમિત દર્દીને સારવાર આપવામાં આવશે. સાથોસાથ બે સમયનું ભોજન સહિત અન્ય સુવિધાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવશે. આ કોવિડ કેર સેન્ટરના ઉદ્ઘાટન સમયે ગંગાધારા દૂધ મંડળીના પ્રમુખ મુકેશ પટેલ, સહકારી અગ્રણી ડો. સંજય પટેલ, ખેડૂત આગેવાન પરિમલ પટેલ તેમજ રાજકીય અગ્રણી અતુલ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
તબીબ અને નર્સ 24 કલાક ફરજ બજાવશે
આ કોવિડ કેર સેન્ટરમાં તબીબ અને નર્સ 24 કલાક હાજર રહેશે. આ સાથે જ આગામી દિવસોમાં ઓક્સિજન સાથેના બેડની પણ વ્યવસ્થા કરાશે. આ ઉપરાંત અત્યારે કોરોનાગ્રસ્ત દર્દીને લેવા લઈ જવા માટે બે હંગામી એમ્બ્યુલન્સની સુવિધા પણ કરવામાં આવી છે. કોવિડ કેર સેન્ટર પર સમાજના 20થી વધુ યુવાનો સ્વયંસેવક તરીકે સેવા આપી રહ્યા છે.