- 13 જાન્યુઆરીના રોજ કોરોના વેક્સિન સુરત પહોંચશે
- 16 જાન્યુઆરીથી હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વોરિયર્સને વેક્સિન અપાશે
- સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આપી જાણકારી
સુરત : કોરોના સામે નિર્ણાયક જંગ હવે અંતિમ તબક્કામાં છે. મેડ ઇન ઇન્ડિયા વેક્સિન હવે કોરોના સામે બ્રહ્માસ્ત્ર બની આવી ગયું છે. 16મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં વેક્સિન આપવાની કામગીરી કરવા જઈ રહ્યા છે. ત્યારે સુરત માટે ખુશખબરી એ છે કે, આ વેક્સિન આવતીકાલે એટલે બુધવારે બપોરે સુરત આવી જશે. આ જાણકારી પોતે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા આપવામાં આવી છે.
22 કેન્દ્રો પર વેક્સિન બાય રોડ મોકલવામાં આવશે
સુરતના લોકો છેલ્લા કેટલાક મહિનાથી જેની રાહ જોઇ રહ્યા હતા, તે સમય અત્યારે આવી ગયો છે. આવતીકાલે એટલે બુધવારે સુરતમાં વેક્સિન આવી જશે અને 16મી જાન્યુઆરીથી હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વોરિયર્સને આ વેક્સિન આપવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. આ અંગે સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, સુરતના મુખ્ય સેન્ટર સિવિલ હોસ્પિટલથી શહેરના 22 કેન્દ્રો પર વેક્સિન બાય રોડ મોકલવામાં આવશે. 30,000 જેટલા ફ્રન્ટલાઈન વોરિયર્સનો માટે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા છે. વેક્સિનેશન તેમને મેસેજના માધ્યમથી ક્યારે લાગશે તે અંગેની જાણકારી મળી જશે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, કાલે બપોર સુધીમાં વેક્સિન સુરતમાં આવી તેની શક્યતાઓ છે.
પંદર દિવસની અંદર તમામ ફ્રન્ટલાઈન વોરિયર્સને સુરતમાં વેક્સિન આપવામાં આવી શકે
ઉલ્લેખનીય છે કે, માનવામાં આવી રહ્યું છે કે, પંદર દિવસની અંદર તમામ ફ્રન્ટલાઈન વોરિયર્સને સુરતમાં વેક્સિન આપવામાં આવી શકે છે. દરરોજ એક સેન્ટર પરથી 100 જેટલા ફ્રન્ટલાઈન વોરિયર્સને વેક્સિન આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે દરરોજ 22 સેન્ટર પરથી આશરે 2,200 જેટલા ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ રોજે વેક્સિન આપવામાં આવશે.